કેન્દ્ર સરકારે Hizb-Ut-Tahrirને આતંકી સંગઠન જાહેર કરીને કહી આ વાત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વૈશ્વિક ઈસ્લામી કટ્ટરપંથી સંગઠન હિઝ્બ-ઉત-તહરીર (એચયૂટી)ને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યુ છે. તેની સાથે સરકારે કહ્યું કે, આ ઈસ્લામી આતંકી સંગઠનનો ઉદ્દેશ ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે.
સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન
એક નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, એચયૂટી યુવાનોને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોમાં સામેલ થવા માટે કટ્ટરપંથી બનાવવા અને પ્રેરિત કરવાની સાથે સાથે આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ પણ એકત્ર કરવા જેવી પ્રવૃત્તિ કરે છે. આ સંગઠન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એપનો ઉપયોગ કરીને માસૂમ યુવાનોને આતંકવાદી કૃત્યોમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરે છે.
શું છે આ સંગઠનનો ઉદ્દેશ
ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું કે, એચયૂટી એક એવું સંગઠન છે જેનો ઉદ્દેશ દેશના નાગરિકોને સામેલ કરીને જિહાદ તથા આતંકવાદી ગતિવિધિના માધ્યમથી લોકતાંત્રિકના રૂપમાં ચૂંટવામાં આવેલી સરકારોને ઉખેડી ફેંકી ભારત સહિત વૈશ્વિક સ્તર પર ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો છે. તેમનો આ મનસુબો દેશના લોકતંત્ર અને આંતરિક સુરક્ષા માટે અક ગંભીર ખતરો છે.
નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે હિઝ્બ-ઉત-તહરીર આતંકવાદમાં સામેલ છે અને તે ભારતમાં અનેક આતંકવાદી કૃત્યોમાં સામેલ છે.