નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન બન્યું છે, ભાજપ એકલા હાથે સરકાર રચી શકી ન હતી, જેને કારણે ભાજપે JDU અને TDPના ટેકા સાથે સરકાર રચી હતી. જેને કારણે સંસદમાં ઘણી બાબતો અંગે મોદી સરકારને પીછેહઠ કરવી પડી રહી છે. મોદી સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024 પાછું ખેંચી લીધું છે. સરકારે જણવ્યું કે ચર્ચા બાદ બીલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
નવું બ્રોડકાસ્ટિંગ બિલ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગત ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં રજુ કર્યું હતું. આ બિલ કાયદો બને તો કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ગયા વર્ષે નવેમ્બરમાં આ બીલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. હવે સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી આ બીલ પાછું ખેંચવા વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને પાછું ખેંચવા અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ડ્રાફ્ટ બિલ 10 નવેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જનતા અને હિતધારકો (જેને આ કાયદો અસર કરશે) ના મંતવ્યો મેળવવા માટે સ્પષ્ટીકરણ નોંધો સાથે બીલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ પર વિવિધ સંગઠનો સહિત ઘણા લોકો તરફથી સૂચનો/ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે. મંત્રાલય સ્ટેકહોલ્ડર્સ સાથે ડ્રાફ્ટ બિલ પર ચર્ચા કરવા માટે શ્રેણીબદ્ધ પરામર્શ કરી રહ્યું છે. તમારો અભિપ્રાય લેવા માટે 15 ઓક્ટોબર 2024 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. વિગતવાર ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ બીલ OTT અને ડિજિટલ ન્યુઝ પ્રોવાઈડર સાથે ઑનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સને જોડવા કરવા તૈયાર કરવામાં આવ્યું છે. આ બીલ મુજબ બ્રોડકાસ્ટર્સ, સરકાર દ્વારા નિર્ધારિત થ્રેશોલ્ડથી વધુ પહોંચ ધરાવતા હશે, તો પછી અન્ય બાબતોની સાથે કન્ટેન્ટને પ્રી-સર્ટીફાઇડ કરવા માટે કન્ટેન્ટ ઇવેલ્યુશન કમિટી(CEC) ની સ્થાપના કરવાની જરૂર રહેશે.
નોંધનીય છે કે વિપક્ષની માંગ બાદ સરકારે વકફ બોર્ડ સુધારા બીલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલી પાયું હતું. એવામાં બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને પાછું ખેંચવા અંગેના નિર્ણયને સરકારની પીછેહઠ તરીકે જોવામાં આવી રહી છે.