હાઇકોર્ટમાં જજોની નિમણુક માટે કેન્દ્ર સરકારે 70 નામો મોકલ્યા
હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુંક મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ખખડાવ્યા બાદ હવે સરકારે 70 જેટલા નામોને SC કોલેજિયમ પાસે મોકલ્યા છે. ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે તેવી શક્યતાઓ છે.
સુપ્રીમ કોર્ટે ફરી કેન્દ્રને ચેતવણી આપી છે કે આપણે મૂંઝવણમાં ન રહેવું જોઈએ. જો નામો સૂચવવામાં આવ્યા હોય, તો તેમની નિમણુક કરી દેવી જોઇએ અને જો શંકાઓ હોય તો અમારી પાસે વિગતો મોકલવી જોઇએ. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 20 ઓક્ટોબરે સુનાવણી કરશે.
કેન્દ્ર વતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા 70 નામોને મંજૂરી આપીને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને મોકલી દીધા છે. મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. સાથે જ હાઈકોર્ટના 26 જજોની બદલીની ભલામણમાંથી 14 જજોની બદલી કરવામાં આવી છે.
આના પર જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું હતું કે આ એક સકારાત્મક પગલું છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સામે કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે દર દસ દિવસે આ કેસની ગતિવિધિઓ પર નજર રાખીશું. 10 મહિનામાં 70 નામોની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ નિમણૂકો કેન્દ્ર પાસે પેન્ડિંગ છે. સંવેદનશીલ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક બાકી છે. 26 ન્યાયાધીશોની બદલીઓ બાકી છે. 7 નામ પેન્ડિંગ છે, જે રિપીટ થયા છે.
આથી સુનાવણી દરમિયાન કેન્દ્ર વતી એટર્ની જનરલ આર વેકેન્ટરમણિએ સુપ્રીમ કોર્ટ પાસે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ AGને કેન્દ્ર તરફથી સૂચનાઓ લાવવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્ર દ્વારા વિલંબ સામેની અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ કૌલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ પ્રતિભા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. એવામાં કેન્દ્ર તરફથી મોડું ન થવું જોઇએ.