કેન્દ્ર સરકાર વૈવાહિક બળાત્કારને ગુનો ગણવાની તરફેણમાં નથી, સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ કાનૂની નહીં પરંતુ સામાજિક મુદ્દો

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલત હાલમાં વૈવાહિક બળાત્કારના કેસમાં ભારતીય દંડ સંહિતાના કલમ 375માં અપવાદ (2)ની માન્યતા પર દિલ્હી હાઈકોર્ટના વિભાજિત ચુકાદા સામેની અપીલ પર વિચારણા કરી રહી છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (બીએનએસ) ની કલમ 375ના અપવાદ (2)ની માન્યતા સાથે સંબંધિત વૈવાહિક બળાત્કાર કેસમાં દિલ્હી હાઈકોર્ટના વિભાજિત ચુકાદા સામેની અપીલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો: વારંવાર મણિપુરમાં ભડકી ઊઠતી હિંસા: કેન્દ્ર સરકારને કેમ કોઈ જ પરવા નથી?
કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જવાબમાં કહ્યું હતું કે વૈવાહિક બળાત્કાર કાનૂની નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. કોઈપણ નિર્ણય પર પહોંચવા માટે વ્યાપક હિતધારકો સાથે પરામર્શની આવશ્યકતા છે. હાલના કાયદાઓમાં મહિલાઓ માટે પૂરતી જોગવાઈઓ છે. લગ્ન એ પરસ્પર જવાબદારીઓની સંસ્થા છે.
કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, ભારતમાં લગ્નને પરસ્પર જવાબદારીઓની સંસ્થા માનવામાં આવે છે, જ્યાં શપથ અફર માનવામાં આવે છે. લગ્નમાં મહિલાઓની સંમતિ વૈધાનિક રીતે સુરક્ષિત છે, પરંતુ તેને સંચાલિત કરતી શિક્ષાત્મક જોગવાઈઓ અલગ છે. વૈવાહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ માટે અન્ય કાયદાઓમાં પણ પર્યાપ્ત ઉપાયો છે. કલમ 375ના અપવાદ (2) નાબૂદ કરવાથી લગ્નની સંસ્થા પર પ્રતિકૂળ અસર પડશે.
આ પણ વાંચો: વિવાદાસ્પદ પૂર્વ IAS ટ્રેઈની પૂજા ખેડકર સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી
કેન્દ્રએ હાલના ભારતીય બળાત્કાર કાયદાને ટેકો આપ્યો, જે પતિ અને પત્ની વચ્ચેના જાતીય સંબંધો માટે અપવાદ બનાવે છે. કેન્દ્રએ કહ્યું કે આ મુદ્દો કાનૂની કરતાં વધુ સામાજિક છે, જેની સીધી અસર સામાન્ય સમાજ પર પડે છે. જો વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવામાં આવે તો પણ સુપ્રીમ કોર્ટ તેમાં દખલ ન કરી શકે. આ અંગે સરકાર જ નિર્ણય લઈ શકે છે.
એક્ટિવિસ્ટ રૂથ મનોરમા સહિતના અરજદારોએ દલીલ કરી છે કે અપવાદ જાતીય સંભોગ માટે મહિલાઓની સંમતિને નબળી પાડે છે અને શારીરિક અખંડિતતા, સ્વાયત્તતા અને ગૌરવનું ઉલ્લંઘન કરે છે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રાજીવ શકધરે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ સી. હરિ શંકરે તેને સમર્થન આપ્યું હતું. જુલાઈમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના 23 માર્ચના નિર્ણય પર રોક લગાવી દીધી હતી, જેમાં આઈપીસીની કલમ 376 હેઠળ બળાત્કારના આરોપો અને તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ કરવાના આરોપને રદ કરવામાં આવ્યો હતો.