કેન્દ્ર સરકાર હવે કસ્ટમ ડ્યુટીમાં કરશે મોટો ફેરફાર, નાણાં મંત્રીએ આપ્યા સંકેત

નવી દિલ્હી : દેશમાં 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટ મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં કેન્દ્ર સરકાર આ વર્ષે બજેટમાં ઇન્કમટેક્સ અને જીએસટીમાં સુધાર બાદ હવે કસ્ટમ ડ્યુટીમાં સરળીકરણની દિશાના પ્રયાસ કરશે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ વર્ષે ઇન્કમટેક્સ અને જીએસટીમાં સુધાર કર્યા છે. જેના લીધે સામાન્ય લોકોને હાથમાં વધુ રોકડ આવી અને ખરીદ શકિત વધી હતી. તેમણે કહ્યું કે તે હવે કસ્ટમ ડ્યુટીમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યા છે. કસ્ટમ ડ્યુટીને સરળ બનાવવી છે જેથી લોકો તેનું પાલન કરે અને પારદર્શિતા પણ વધે.
કસ્ટમ ડ્યુટીમાં પણ પારદર્શિતા જરૂરી
કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કસ્ટમ ડ્યુટીમાં પણ પારદર્શિતા જરૂરી છે. જેમાં પ્રસ્તાવિત સુધારા વ્યાપક હશે અને તેમાં કસ્ટમ ડ્યુટી દરોને તર્કસંગત બનાવવાનો સમાવેશ થશે. નાણાં મંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં અમે કસ્ટમ ડ્યુટી દરોમાં સતત ઘટાડો કર્યો છે. પરંતુ કેટલીક વસ્તુઓ પરના દરો હજુ ઘટાડવાની જરૂર પડશે.
આ પણ વાંચો: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર સામે પગલાં લેવાની જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નાણાં પ્રધાનને વિનંતી
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર સાત ટકાથી વધુ રહેશે
આ વર્ષના બજેટમાં ઔદ્યોગિક ચીજવસ્તુઓ પરની સાત વધારાની કસ્ટમ ડ્યુટી દરો દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગત વર્ષે સાત દરો પણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં હવે શૂન્ય દર સહિત કુલ આઠ દર સ્લેબ છે. જ્યારે ડોલર વિરુદ્ધ રૂપિયો નબળો પડવા મુદ્દે નાણામંત્રીએ જણાવ્યું હતું કે તે ધીરે ધીરે યોગ્ય સ્તરે સ્થિર થશે. વર્ષ 2025માં ડોલર સામે રૂપિયો લગભગ પાંચ ટકા નબળો પડ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર સાત ટકા કે તેથી વધુ રહેશે.



