નેશનલ

ક્રિપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકાર ગંભીર, લાવી શકે છે કાયદો

નવી દિલ્હી : ભારતમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી પછી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી અંગે મોટું પગલું ભરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર જૂન માસમાં ક્રિપ્ટો રોકાણકારો અને ક્રિપ્ટો સંપત્તિઓના રક્ષણ માટે પ્રસ્તાવિત પેપર જાહેર કરી શકે છે. આ પેપર આ ડિજિટલ સંપત્તિના નિયમનના વિકલ્પો અને કાનૂની માળખા અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની તપાસ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સી પર કોઈ સ્પષ્ટ કાયદો કેમ નથી લાવી.

ક્રિપ્ટો અંગે કોઈ અલગ કાયદો નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલય હેઠળનો આર્થિક બાબતોનો વિભાગ(DEA)આ પર કામ કરી રહ્યો છે અને આ પેપર જાહેર સૂચનો પણ મેળવવામાં આવશે. જ્યારે હિસ્સેદારોનો અભિપ્રાય લીધા બાદ સરકાર ક્રિપ્ટોકરન્સી પર કાયદો લાવવા તરફ આગળ વધશે. ભારત લાંબા સમયથી ક્રિપ્ટોકરન્સી અંગે કોઈ નક્કર નીતિની રાહ જોઈ રહ્યું છે. હાલમાં ડિજિટલ ચલણ સંબંધિત કેસોમાં કર અને મની લોન્ડરિંગ જેવા કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ક્રિપ્ટો અંગે કોઈ અલગ કાયદો નથી.

આર્થિક સ્થિરતા માટે સ્પષ્ટ નીતિ જરૂરી

નાણા મંત્રાલય પહેલાથી જ G-20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા ક્રિપ્ટો નિયમન પર વૈશ્વિક સર્વસંમતિ બનાવવા માટે કામ કરી રહ્યું છે. ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે રોકાણકારોના રક્ષણ, છેતરપિંડી પર નિયંત્રણ અને આર્થિક સ્થિરતા માટે સ્પષ્ટ નીતિ જરૂરી માનવામાં આવે છે.

જૂનમાં આવનારા આ પેપરને તે દિશામાં સરકારની એક મોટી પહેલ ગણી શકાય. જેથી ભારતમાં ક્રિપ્ટોકરન્સી અંગે સ્પષ્ટ અને કડક નિયમો બનાવી શકાય.

આપણ વાંચો:  અકબરે રાજકુમારી સાથે નહીં નોકરાણી સાથે લગ્ન કર્યાં હતા! રાજસ્થાનના રાજ્યપાલનો ઇતિહાસકારોને પડકાર

લોકો તરફથી પણ માંગ કરવામાં આવી હતી

આ અંગે કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરકારે ક્રિપ્ટોકરન્સી માટે નિયમો બનાવવા જોઈએ. તેઓએ કહ્યું હતું કે નિયમો વિના લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિયમો બનાવવાનું તેમનું કામ નથી. આ સરકારનું કામ છે. કોર્ટે કહ્યું કે તેઓ સરકારને નિયમો બનાવવાનું કહી શકતા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈને કોઈ ફરિયાદ હોય તો તે સરકારને જણાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button