
પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક, તપાસ એજન્સીને આરોપીઓની ઝડપી ઓળખ અને કાર્યવાહીનો આદેશ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લાલ કિલ્લાના વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ વિસ્ફોટ જઘન્ય આતંકી ઘટના ગણાવતો પ્રસ્તાવ પણ કેબિનેટે પાસ કર્યો છે. સરકારે જણાવ્યું કે આ હુમલો આતંકવાદીઓએ કર્યો. પીએમ મોદીના નેતૃત્વમાં યોજવામાં આવેલી બેઠકમાં તપાસ એજન્સીને આરોપીઓની ઝડપી ઓળખ કરવાની સાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. વિસ્ફોટમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો.
દેશની શાંતિ અને એકતા પરનો હુમલો
વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાલ કિલ્લા નજીકના વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો તેમ જ તેમાં માર્યા જનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી તેમ જ બે મિનિટનું મૌન પાળ્યું હતું. બેઠકમાં સરકારે કહ્યું કે આ કૃત્ય દેશની શાંતિ અને એકતા પરનો હુમલો છે. કેબિનેટે તપાસ એજન્સીને દોષીઓ અને તેમના સહયોગીઓની ઓળખ કરીને શક્ય એટલા ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિનો પણ ઉલ્લેખ કર્યો.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો
આતંકવાદીઓના આકાઓને ઝડપથી ઓળખો
સીસીએસ પછી વડા પ્રધાનના નિવાસસ્થાન ખાતેની કેબિનેટ બેઠકમાં લાલ કિલ્લા ખાતેના વિસ્ફોટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે આતંકવાદીઓ અને તેમના આકાઓને ઝડપથી ઓળખવાના આદેશ આપ્યા. હુમલાના દોષીઓને બક્ષવામાં આવશે નહીં એમ પણ જણાવ્યું. આ વિસ્ફોટની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી હતી.
રાષ્ટ્રની સુરક્ષા-નાગરિકોની રક્ષાની પ્રાથમિકતા
સરકારે તપાસ એજન્સીને નિર્દેશ આપતા જણાવ્યું છે કે આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ, જૂથ, સહયોગીઓ અને પ્રાયોજકોની ઝડપથી ઓળખ કરીને ધરપકડ કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા અને નાગરિકોની રક્ષા કરવાની સરકારની પ્રાથમિકતા રહેશે એવી પણ ખાતરી પણ આપી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટના પ્રસ્તાવને વાંચતા કહ્યું કે દેશ વિરોધી તાકાતે દસમી નવેમ્બરના લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કર્યો. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો હતો.



