
નવી દિલ્હી: ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી પીરસતા પ્લેટફોર્મ્સ સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે આવા 18 OTT પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી બ્લોક કરી દીધા છે. ગુરુવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 19 વેબસાઇટ્સ, 10 એપ્સ (7 ગૂગલ પ્લે સ્ટોર પર અને 3 એપલ એપ સ્ટોર પર), અને આ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ક્રિએટીવિટીની આડમાં અશ્લીલતાનો પ્રચાર ન કરવા માટે પ્લેટફોર્મ્સની જવાબદારી પર વારંવાર ભાર મૂક્યો છે.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરનો નિર્ણય ભારત સરકારના અન્ય મંત્રાલયો અને મીડિયા અને મનોરંજન, મહિલા અધિકારો અને બાળ અધિકારોમાં નિષ્ણાત ડોમેન નિષ્ણાતો સાથે ચર્ચા કરીને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.
આ પ્લેટફોર્મ્સ પર પૉસ્ટ કરવામાં આવતી સામગ્રી મોટે ભાગે અશ્લીલ હોવાનું અને મહિલાઓને અપમાનજનક રીતે દર્શાવવામાં આવી છે. તે નગ્નતા અને જાતીય કૃત્યોનું નિરૂપણ કરે છે, જેમ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો, અનૈતિક કૌટુંબિક સંબંધો વગેરે. આવી સામગ્રીમાં સેક્સ્યુઅલ ઈન્યુએન્ડો તેમ જ કોઈપણ મુદ્દા અથવા સામાજિક સુસંગતતા વગરના અશ્લીલ અને સેક્સ્યુઅલી સ્પષ્ટ દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે.
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આવી સામગ્રીને પ્રથમ દ્રષ્ટીએ IT એક્ટની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને મહિલાઓના અશિષ્ટ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, 1986ની કલમ 4નું ઉલ્લંઘન માનવામાં આવે છે.
OTT એપ્સમાં, એક એપને 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે, જ્યારે અન્ય બેને ગૂગલ પ્લે સ્ટોર પર 50 લાખથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. વધુમાં, આ OTT પ્લેટફોર્મ દર્શકોને તેમની વેબસાઇટ્સ અને એપ્સ તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ટ્રેલર્સ, વિશિષ્ટ દ્રશ્યો અને લિંક્સનું પ્રસારણ કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત OTT પ્લેટફોર્મના તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 32 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ બ્લોક કરાયેલા પ્લેટફોર્મ્સમાં Besharams, Hunters, Dream Films, MoodX, NeonX, Extra Mood સહિતના અન્ય છે.