કફ સિરપનો મુદ્દો એટલો ગંભીર બન્યો કે કેન્દ્ર સરકારે રવિવારે બોલાવી ઈમરજન્સી મિટિંગ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપને લીધે બાળકોના મોતની ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ ઊભો કરી દીધો છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત તમામ રાજ્યોએ પણ કફ સિરપ મામલે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા અને સેમ્પલ લઈ તપાસ કરવાના આદેશ આપી દીધી છે. રાજસ્થાનમાં 10 બાળકના મોત બાદ રાજ્યભરમાં સિરપ પર પ્રતિબંધ લાદી દેવાયો છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ સમસ્યા વિકટ બની શકે તેમ છે, ત્યારે કેન્દ્ર સરકારે રવિવારના દિવસે ઈમરજન્સી મિટિંગ બોલાવી છે.
રવિવારે ખાસ બેઠક બોલાવી કેન્દ્રીય આરોગ્ય વિભાગના સચિવે મુદ્દો કેટલો ગંભીર બની રહ્યો છે તે સાબિત કર્યું છે ત્યારે સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર દેશના અન્ય ભાગોમાં આવી ઘટના ન બને તે માટે કફ સિરપનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને બજારમાં માત્રને માત્ર ગુણવત્તાવાળા જ સિરપ ઉપલબ્ધ રહે તે અંગે માર્ગદર્શિકા પૂરી પાડવાનો છે.
મૃત્યુની ઘટના બાદ બહાર આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર કોલ્ડ્રિફ નામની કફ સિરપ પીધા પછી બાળકો બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યાનું સાબિત થયું હતું. શરૂઆતી તપાસમાં સીરપમાં DEG (ડાયથિલિન ગ્લાયકોલ) વધુ પ્રમાણમાં હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે અગાઉ ઘણા દેશોમાં આવી ઘટના બની હોવાનું પણ સૂત્રો જણાવે છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) કોલ્ડ્રિફ સિરપના ઉત્પાદક સામે સૌથી ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવા માટે તમિલનાડુ FDA ને લખવાની તૈયારી કરી રહ્યું છે.
હાલમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની ઘટનાઓ પર હેલ્થ એજન્સીઓ ધ્યાન આપી રહી છે. બેઠકમાં સિરપ પ્રિસ્ક્રાઈબ કરવાના નવા નિર્દેશ આપવામાં આવશે. Coldrif નામનું સિરપ પીવાને લીધે મધ્ય પ્રદેશના છિંદવાડામાં દસ બાળકના મૃત્યુ થયા. હાલમાં કંપની સામે એફઆઈઆર થઈ છે અને સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડો. પ્રમિશ સોનીની મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. આ સિરપની ફેક્ટરી તમિળનાડુમાં હોવાથી તમિળનાડુ સરકાર પણ તપસામાં જોડાઈ છે.
આપણ વાંચો: દાર્જિલિંગમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: ભૂસ્ખલનથી ૬ લોકોના મોત, મિરીક-કુરસિયોંગને જોડતો પુલ તૂટ્યો