સંચાર સાથી એપ મુદ્દે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષને આડે હાથે લીધા

નવી દિલ્હી : સંચાર સાથી એપ મુદ્દે વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે ફોન પર એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પ્રી-ઇન્સ્ટોલેશનને મરજિયાત ગણાવી છે.
સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવી મરજિયાત
ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે એ પોસ્ટમાં જણાવ્યું છે કે, “બધા નાગરિકોને સાયબર સુરક્ષા લાભો પૂરા પાડવા માટે, સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું હતું. આ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો એકમાત્ર હેતુ નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે. સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને જોતાં સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે તેને મરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: વિવાદ વચ્ચે સંચાર સાથી એપએ રેકોર્ડ તોડ્યાઃ 24 કલાકમાં એપના ડાઉનલોડમાં 10 ગણો ઉછાળો
સ્માર્ટફોન ઉત્પાદક એપલે પાલન કરવાનો ઇનકાર કર્યો હતો
કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. 28 નવેમ્બરના રોજ સરકારનો આદેશ મળ્યા પછી, સ્માર્ટફોન ઉત્પાદક એપલે તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ પગલું આઇફોન વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાને જોખમમાં મૂકી શકે છે. એપલે જણાવ્યું હતું કે તે સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો રજુ કરશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષને આડે હાથે લીધા
આ દરમિયાન સંચાર સાથી એપ મુદ્દે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપનો જવાબ આપ્યો હતો . તેમણે કહ્યું કે આ એપનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકતો નથી. જોકે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, આ અંગે જવાબ આપતા સિંધિયાએ જણાવ્યું હતું આ અંગે એક વેબસાઈટ શરુ કરી છે. તેમજ અત્યાર સુધી લોકોની ફરિયાદના આધારે 1.50 કરોડ ફ્રોડ મોબાઈલ કનેકશન બંધ કરવામાં આવ્યા છે. તેમજ વિપક્ષ આને ખોટો મુદ્દો બનાવીને ચગાવી રહી છે. આ સામાન્ય એપની જેમ ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરી શકાય છે.



