ટોપ ન્યૂઝનેશનલ

No Detention Policy: હવે પાંચમા અને આઠમા ધોરણમાં પાસ થવું પડશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી (No Detention Policy) નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષાઓમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તેમને પાસ કરી દેવાની પ્રથા પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે અને હવેથી નવા નિયમો હેઠળ, જો ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ વર્ગમાં નાપાસ થશે તો તેમણે ફરીથી પરીક્ષા આપી પાસ થવું પડશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…

હવે 5 અને 8 માં કરવામાં આવશે નાપાસ
સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું છે. નવી નીતિ અનુસાર, ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં નહીં આવે. નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાની તક મળશે અને તેમાં પણ જો તે ફરીથી નાપાસ થશે તો તેને બઢતી આપવામાં આવશે નહીં.

શાળા કાઢી નહિ શકે વિદ્યાર્થીઓને
સરકારની જાહેરાત અનુસાર નિયમિત પરીક્ષા હાથ ધર્યા પછી જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે તો તેને વધારાની સૂચનાઓ અને પુનઃપરીક્ષા માટે બે મહિનાના સમયગાળામાં તક આપવામાં આવશે. જો કે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ બાળકને શાળા કાઢી નહિ શકે. તેવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા 5મા કે 8મા ધોરણમાં પાછા રાખવામાં આવશે.

નો ડિટેન્શન પોલિસીને કેમ રદ્દ કરી?
2009માં અમલમાં આવેલી ‘નો ડિટેન્શન પોલિસી’નો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ બાળક, ખાસ કરીને નબળા પૃષ્ઠભૂમિમાંથી આવતા, નિષ્ફળતાના ડરથી અભ્યાસ છોડી ન દે. જો કે આ નીતિની ટીકા કરવામાં આવી રહી હતી કે તેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ગંભીરતા ગુમાવી દે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પર્યાપ્ત જ્ઞાન વિના આગળના વર્ગોમાં આગળ વધવાનું ચાલુ રાખતા હતા, જેના કારણે ઉચ્ચ વર્ગોમાં તેમના પ્રદર્શનને અસર થતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button