નવી દિલ્હી: ડોક્ટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કરેલા નવા નિયમો મુજબ હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડોક્ટરોને ફ્રી ગિફ્ટ નહીં આપી શકે. કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ (UCPMP) જાહેર કર્યો હતો, જે મુજબ કોઈપણ ફાર્મા કંપની અથવા તેના એજન્ટ ડૉક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો દર્દીને કોઈ ચોક્કસ બ્રાંડની જ દવા લખી આપે એ માટે ફાર્મા કંપનીઓ ડોકટરોને ખુશ રાખવા વિવિધ ગીફ્ટ અને વિદેશ પ્રવાસ ઓફર કરે છે. આ પ્રેક્ટીસ સામે અગાઉ પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી પરતું તેનું પાલન થતું ન હતું, હવે સરકારે યુનિફોર્મ કોડ બહાર પાડી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આ ઉપરાંત નવા નિયમો મુજબ ફાર્મા કંપનીઓ ડૉક્ટર અથવા તેના પરિવારના વિદેશ પ્રવાસની ઓફર પણ નહીં આપી શકે. કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મીનીસ્ટ્રીના સંયુક્ત સચિવ રવીન્દ્ર પ્રતાપ સિંહે દેશના તમામ ફાર્માસ્યુટિકલ એસોસિએશનોને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ એસોસિએશને એક નૈતિક સમિતિની રચના કરવી પડશે અને તેમની સત્તાવાર વેબ સાઈટ પર UCPMP પોર્ટલનો પણ ઉલ્લેખ કરવો પડશે, તેમજ યુનિફોર્મ કોડનું પાલન કરવાનું રહેશે.
વર્ષ 2022માં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ફાર્માસ્યુટિકલ કંપની પર આરોપ લગાવ્યો હતો કે દર્દીઓને ડોલો-650 ટેબ્લેટ લખવા બદલ ડોકટરોને 1,000 કરોડ રૂપિયાની મફત ભેટ આપવા આવી છે. આ કારણે યુનિફોર્મ કોડ બનાવવાની માંગ ઉઠી હતી.
અગાઉ સરકારે 2014 માં UCPMP સંબંધિત એડવાઈઝરી જાહેર કરી હતી, પરંતુ તેના હેઠળ કંપનીઓ કાયદાકીય રીતે બંધાયેલી ન હતી. નવા કોડ હેઠળ, જો ડોકટરો અનૈતિક રીતે દવાની બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે દોષિત ઠરશે, તો ફાર્મા કંપનીઓ સામે તે જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે લાંચ કે સંબંધિત કેસોમાં કરવામાં આવે છે.
નવા કોડમાં લખવામાં આવ્યું છે કે ફાર્મા કંપનીઓ કોન્ફરન્સ કે સેમિનારના નામે ડોક્ટરોને વિદેશ પ્રવાસની ઓફર કરી શકશે નહીં. ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા, મોંઘા ભોજન અને રિસોર્ટ જેવી લક્ઝુરિયસ ઑફર્સ પણ આપી શકાશે નહીં.
નવા કોડમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દવાઓના મફત સેમ્પલ્સ એવી કોઈ વ્યક્તિને આપવામાં આવશે નહીં કે જે આવી પ્રોડક્ટ લખવા માટે લાયક નથી. કંપનીએ દરેક પ્રોડક્ટનું નામ, ડૉક્ટરનું નામ, પૂરા પાડવામાં આવેલા ફ્રી સેમ્પલ્સની સંખ્યા, ફ્રી સેમ્પલ્સની સપ્લાયની તારીખ જેવી વિગતો મત્રાલયને આપવાના રહેશે.
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે…
Discover the 6 lucky signs on your palm that reveal hidden aspects of your destiny, wealth, success, and fortune in life. Explore palmistry insights now!