પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કેન્દ્રની ઇચ્છા: નાણાં પ્રધાન
ઇન્દોર: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી – માલ અને સેવા કર) હેઠળ લાવવા માગે છે, પરંતુ આ મુદ્દે કૉંગ્રેસ પક્ષ બેવડું ધોરણ અપનાવી રહ્યો છે.
તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ અને તેના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર જનતાના લાભાર્થે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવાની તરફેણમાં શરૂઆતથી જ છે. જો પ્રિયંકા (ગાંધી વડરા) પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની તરફેણમાં હોય તો તેણે કૉંગ્રેસ દ્વારા શાસિત બધી રાજ્ય સરકારોને
જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ માટે સંમતિ આપવા સૂચના આપવી જોઇએ. પ્રસારમાધ્યમોએ કૉંગ્રેસને આ મુદ્દે અપનાવવામાં આવતા બેવડાં વલણ અંગે સવાલ પૂછવો જોઇએ.
કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વડરા ચૂંટણીપ્રચારમાં કેન્દ્ર અને મધ્ય પ્રદેશની સરકારોને મોંઘવારી બદલ દોષ દઇ રહી છે. મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે.
નિર્મલા સીતારમણને ઇઝરાયલઽ – હમાસ વચ્ચેના યુદ્ધની દેશના અર્થતંત્ર પરની માઠી અસર અંગે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઇ શરૂ થઇ ત્યારથી ખનિજ તેલના ભાવ વધવાની ધારણા કરાઇ રહી છે, પરંતુ અમે ખનિજ તેલમાંનો ભાવ વધારો રોકવા બનતા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઇ અને તેની ખનિજ તેલના પુરવઠા અને ભાવ પર થતી અસર પર સતત નજર રાખી રહ્યા છીએ.
કેન્દ્રનાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે અમારી સરકાર ટમેટાં, લોટ, કઠોળ અને દૈનિક વપરાશની અન્ય ચીજોના ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘણાં લાંબા સમયથી અસરકારક પગલાં લઇ રહી છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસના શાસન વખતે ૨૨ મહિના સુધી ફુગાવાનો દર ૧૦ ટકાથી વધુ રહ્યો હતો, પરંતુ તેની સરકાર તેને નિયંત્રણમાં લાવી નહોતી શકી. (એજન્સી)