ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્રની જાહેરાત
‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ: ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઈટીએફને ફાયદો થશે
નવી દિલ્હી: ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટૅક-આઈએફએસસી ‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને કારણે ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઈટીએફને ફાયદો થશે.
ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઑથોરિટી (ફંડ મેનેજમેન્ટ) રેગ્યુલેશન ૨૦૨૨ હેઠળ લૉન્ચ કરવામાં આવેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ના કોઈપણ શૅરને કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ આપવાને
લગતું જાહેરનામું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
નાન્જિયા ઍન્ડરસન એલએલપી પાર્ટનર-ફાઈનાન્શિયલ સર્વિસિસ સુનિલ ગિડવાણીએ કહ્યું હતું કે હાલમાં કાયદો ગિફ્ટ સિટીસ્થિત સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરાતા વિવિધ શૅર તેમ જ ગિફ્ટ સિટીમાં સ્થાપવામાં આવેલી કંપની દ્વારા બહાર પાડવામાં આવતા શેરને કૅપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ આપે છે.
ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તરીકે સ્થાપવામાં આવતા ફંડ માટેના નવા નિયમોંમાં આવા ટ્રસ્ટ દ્વારા કૅપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ માટે બહાર પાડવામાં આવતા શૅરનો પણ સમાવેશ કરવા કાયદાની જરૂર છે.
એ જ પ્રમાણે ગિફ્ટ સિટીસ્થિત સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અને ટ્રેડિંગ કરાતા શૅર પણ હવે કેપિટલ ગૅઈન્સ ટૅસ્કમાંથી મુક્તિ માટે પાત્ર રહેશે.
આ સુધારો ફંડ માટે ઉપલબ્ધ ઈન્સેન્ટિવ અને આઈએફએસસી સ્ટોક માર્કેટમાં ટ્રેડિગનો વ્યાપ વધારશે, એમ તેમણે કહ્યું હતું.
એકેએમ ગ્લોબલ ટૅક્સ પાર્ટનર અમિત મહેશ્ર્વરીએ કહ્યું હતું કે આનો મુખ્ય આશય આઈએફએસસીને વિશ્ર્વભરમાં આર્થિક સેવાનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો અને માન્યતાપ્રાપ્ત સ્ટોક એક્સચેન્જમાં એનઆરઆઈ રોકાણકારોને રોકાણ કરવા પ્રોત્સાહન આપવાનો છે.
જોકે, કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિનો લાભ લેવા પ્રત્યેક ટ્રાન્ઝેક્શનના પેમેન્ટની ચુકવણી વિદેશી ચલણમાં કરવાની રહેશે.
નવા જાહેરનામામાં ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના શૅર, સ્કીમના શૅર અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડના શૅરનો સમાવેશ થાય છે.
નિયમો હળવા કરવાનું સરકારનું પગલું આવકાર્ય છે અને એનઆરઆઈ રોકાણકારો માટે વૈશ્ર્વિક સ્તરે એ વધુ સ્પર્ધાત્મક હશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)