ટોપ ન્યૂઝનેશનલ

બોયકોટ તુર્કીઃ ભારત સરકારે તાત્કાલિક અસરથી તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરી

નવી દિલ્હી: પાકિસ્તાનને સમર્થન આપવાની સાથોસાથ ભારતીય સેના દ્વારા આતંકવાદ વિરોધી ચલાવેલા ઓપરેશન સિંદૂરની ટીકા બાદ ભારત અને તુર્કીનાં સબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનની (Celebi Aviation) સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો છે.

BCAS દ્વારા જારી કરવામાં આવ્યો આદેશ

નાગરિક વિમાનન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, સેલેબી એરપોર્ટ સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને 21 નવેમ્બર 2022ના રોજ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી તરીકે સુરક્ષા મંજૂરી આપવામાં આવી હતી, જેને હવે રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે એરપોર્ટ પર સેલેબી એવિએશન હાલમાં સેવાઓ આપી રહી છે, ત્યાં વૈકલ્પિક ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ સાથે સંકલન કરીને કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવશે. ટૂંક સમયમાં જ નવા સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી

મુંબઈ એરપોર્ટ પર 70 ટકા ગ્રાઉન્ડ ઓપરેશન્સ સંભાળે છે

ઉલ્લેખનીય છે કે સેલેબી કંપની મુંબઈ એરપોર્ટ પર લગભગ 70 ટકા ગ્રાઉન્ડ ઓપરેશન્સ સંભાળે છે, જેમાં મુસાફરોની સેવા, લોડ કંટ્રોલ, ફ્લાઇટ ઓપરેશન્સ, કાર્ગો અને પોસ્ટલ સર્વિસ, વેરહાઉસ અને બ્રિજ ઓપરેશન્સ જેવા મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (DG, BCAS) દ્વારા 21 નવેમ્બર 2022ના રોજ સેલેબી એરપોર્ટ સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી તરીકે સિક્યુરિટી ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. જો કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેનું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે.

શા માટે સરકારે લીધો આ નિર્ણય?

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન દ્વારા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન હોવાનું માનવામાં આવે છે. આના કારણે ભારત અને તુર્કીના સંબંધોમાં ખટાશ આવી છે. તેના જવાબમાં ભારતે પણ પોતાની વિદેશ નીતિમાં બદલાવ કર્યો છે અને તુર્કીના વિરોધી દેશો જેવા કે ગ્રીસ, આર્મેનિયા અને સાયપ્રસ સાથે સહયોગ માટે ભારત આગળ વધ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનનું સમર્થન કરવા બદલ વિવિધ વેપારી સંગઠનો દ્વારા તુર્કી અને અઝરબૈજાનના બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button