યુદ્ધવિરામ સમાપ્ત: ઇઝરાયલી સેનાનો ગાઝા પર ફરી હુમલો | મુંબઈ સમાચાર

યુદ્ધવિરામ સમાપ્ત: ઇઝરાયલી સેનાનો ગાઝા પર ફરી હુમલો

ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. પાંચ દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામ પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (૧ ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો. શુક્રવારે ઇઝરાયલી બોમ્બમારામાં લગભગ ૧૭૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. શુક્રવારે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ રોકેટ ફાયરિંગ, હવાઈ હુમલા અને જમીની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર દક્ષિણ ઇઝરાયલ તરફ રોકેટ છોડવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ સાથે ગાઝામાં લડાઈનો બીજો તબક્કો શરૂ થઈ ગયો
છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારામાં લગભગ ૧૮૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે ૫૮૯ લોકો ઘાયલ પણ થયા હતા. હમાસનું કહેવું છે કે તેમણે દક્ષિણ અને મધ્ય ઇઝરાયલના શહેરો તરફ રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે ઇઝરાયલની સેના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશતા સહાયક ટ્રકોને રોકી રહી છે.

ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા કતાર, ઇજિપ્ત અને અમેરિકાનું કહેવું છે કે તેઓ ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ પુન:સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button