
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે, તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટના થોડા સમય પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક આઈ20 કાર ભીડમાંથી પસાર થતી જોવા મળી રહી છે. કારની અંદર કાળા કલરનું માસ્ક પહેરેલો શખ્સ ડ્રાઇવિંગ સીટ પર જોવા મળી રહ્યો છે. જેને આતંકી મોહમ્મદ ઉમર ગણાવાઈ રહ્યો છે. આ ફૂટેજ તપાસમાં મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે.
સીસીટીવી ફૂટેજ મુજબ, સફેદ રંગની એક કાર ભીડમાંથી પસાર થતી જવા મળે છે. ટ્રાફિક વચ્ચે આ કાર આગળ વધી રહી હતી. ફૂટેજ મુજબ, કાર ચલાવી રહેલા શખ્સે કાળા રંગના માસ્કથી તેનો ચહેરો ઢાંક્યો હતો. તપાસ એજન્સીઓ હવે આ કાર અને માસ્ક પહેરેલા ડ્રાઇવરની ઓળખ મેળવવા ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહી છે.
કાર કોની હતી?
જે હ્યુન્ડાઈ આઈટી 20 કારમાં ધમાકો થયો, તે મૂળ રૂપે મોહમ્મદ સલમાનની હતી, પરંતુ તેણે તે નદીમને વેચી દીધી હતી. નદીમે તેને ફરીદાબાદના એક યુઝ઼્ડ કારના ડીલર, રોયલ કાર ઝોનને વેચી દીધી. પછીથી તે તારિકે ખરીદી અને ત્યારબાદ ઉમરે ખરીદી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ અંગે જાણકારી આપતા કહ્યું, કે ‘હ્યુન્ડાઈ આઈ20 કારમાં સાંજના 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ. અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આજે ગૃહમંત્રાલયમાં હાઈલેવલ મીટિંગ
અમિત શાહે વધુમાં કહ્યું, કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA ટીમ, SPG ટીમ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આજે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટમાં સત્તાવાર રીતે 8 લોકોના મોત, પીએમ મોદીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી…



