CBSE બૉર્ડ હવે દસમા અને બારમાની પરીક્ષા નહીં આપે રેંક કે નહીં આપે ડિવિઝન

પરિણામ આવતાની સાથે જ પોતાને કે પોતાના સંતાનને કેટલા માર્ક્સ આવ્યા તે જાણવાની સાથે જ બીજાને કે મિત્રને કે પિતરાઈને કેટલા માર્ક્સ આવ્યા તે જાણવાની ઈચ્છા વિદ્યાર્થી ને માતા-પિતાને વધારે હોય છે અને તે બાદ સરખામણી શરૂ થાય છે. આને લીધે જ ખાસ કરીને બોર્ડની પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાં હોય છે. ઘણા નિરાશાનો ભોગ બને છે તો ઘણા ખરાબ પરિણામના ડરથી આત્યંતિક પગલાં પણ ભરે છે.
CBSE બોર્ડે 10મા અને 12માની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ 2024માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા એકંદર (એગ્રીગેટેડ) માર્કસ આપવામાં આવશે નહીં.
નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા માટે શિક્ષણ જગતમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. CBSE બોર્ડના આ પગલાથી વિદ્યાર્થીઓ પર પરિણામનું દબાણ ઓછું થશે અને તેઓ વધુ સારી રીતે તૈયારી કરી શકશે. CBSE બોર્ડની સંપૂર્ણ સૂચના અને કોલેજમાં પ્રવેશ માટે કઈ પ્રક્રિયાને અનુસરવામાં આવશે તે સમજો.
આ સિવાય બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10 અને 12માં માર્ક્સની ટકાવારી CBSE દ્વારા ગણવામાં આવશે નહીં. CBSE બોર્ડના નોટિફિકેશનમાં અન્ય એક મહત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, જો કોઈ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં પાંચ કરતાં વધુ વિષયો લીધા હોય, તો શ્રેષ્ઠ પાંચ વિષયો નક્કી કરવાનો નિર્ણય વિદ્યાર્થીને પ્રવેશ આપતી સંસ્થા અથવા CBSE બોર્ડના વિદ્યાર્થીની ભરતી કરનાર એમ્પ્લોયર લઈ શકે છે. CBSE બોર્ડની પણ આમાં કોઈ ભૂમિકા રહેશે નહીં.
CBSE બોર્ડના ધોરણ 10મા અને 12માની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2024 વચ્ચે યોજાશે. CBSE બોર્ડ પરીક્ષાના ઉમેદવારો હાલમાં ડેટશીટ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ અઠવાડિયે CBSE બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરશે. આ માટે વિદ્યાર્થીઓએ અધિકૃત વેબસાઇટ cbse.gov.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે.