સીબીઆઈએ બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નીટ-યુજીમાં કથિત ગેરરીતિના પાંચ કેસ હાથમાં લીધા
નવી દિલ્હી: સીબીઆઈએ ગુજરાત, રાજસ્થાન અને બિહારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી)માં કથિત ગેરરીતિના પાંચ નવા કેસોની તપાસ પોતાના હાથમાં લીધી છે એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાત અને બિહારમાંથી એક-એક કેસ અને રાજસ્થાનના ત્રણ કેસ પોતાની એફઆઈઆર તરીકે ફરીથી નોંધ્યા છે, જ્યારે મહારાષ્ટ્રના લાતુરમાંથી અન્ય કેસ પણ હાથ ધરે તેવી શક્યતા છે.
બિહારના કેસને બાદ કરતાં અન્ય ચાર સ્થાનિક અધિકારીઓ, નિરીક્ષકો અને ઉમેદવારો દ્વારા નકલ અને છેતરપિંડીની છૂટક ઘટનાઓ હોવાનું જણાઈ રહ્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સીબીઆઈએ પહેલાથી જ આ કેસના સંદર્ભમાં પોતાની એફઆઈઆર નોંધી લીધી છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંદર્ભમાં વ્યાપક તપાસ હાથ ધરી છે, એમ તેઓએ જણાવ્યું હતું.
આ નવા કેસો સંભાળ્યા પછી સીબીઆઈ હવે નીટ-યુજીમાં કથિત અનિયમિતતાઓને લગતા કુલ છ કેસોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા
નીટ-યુજી એ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ પરીક્ષા પાંચમી મેના રોજ વિદેશના 14 સહિત 571 શહેરોના 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
મંત્રાલયે પરીક્ષાના સંચાલનમાં કથિત અનિયમિતતાઓની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપશે એવી જાહેરાત કરવામાં આવી તેના બીજા જ દિવસે એટલે કે રવિવારે પ્રથમ સીબીઆઈનો એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
સીબીઆઈના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે ‘શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને કાવતરું, છેતરપિંડી, ઢોંગ, વિશ્ર્વાસનો ભંગ અને ઉમેદવારો, સંસ્થાઓ અને વચેટિયાઓ દ્વારા પુરાવાનો નાશ કરવા સહિતની કથિત અનિયમિતતાઓની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી છે.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સેવકોની ભૂમિકા, પરીક્ષાના આચરણ સાથે અને સમગ્ર ઘટનાક્રમમાં અને મોટા ષડયંત્ર સાથે તપાસનો વ્યાપ ફેલાયેલો છે. (પીટીઆઈ)