સત્યપાલ મલિકના ઘર અને ઓફિસ પર CBIના દરોડા, કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસમાં કાર્યવાહી
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચારના મામલે પાડવામાં આવ્યા છે. આ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાં સીબીઆઇએ સત્યપાલ મલિક અને તેમના નજીકના સાથી સહયોગીઓના સ્થાન પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઈની ટીમે કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચારના મામલે યુપી, બિહાર, રાજસ્થાન, મુંબઈ અને હરિયાણામાં હાઈડ્રો પાવરના અધિકારીઓની ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ અગાઉ જણાવ્યું હતું કે, “કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ (HEP) ના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ 2019માં ખાનગી કંપનીને લગભગ 2,200 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિના આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ વર્ષ 2019 માં, કિશ્તવાડમાં કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર થયો હતો. સત્યપાલ મલિક, જેઓ 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. મલિકે આરોપ લગાવ્યો હતો કે પ્રોજેક્ટ સંબંધિત બે ફાઈલો ક્લિયર કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મોદી સરકારના પ્રખર આલોચક છે. અનેક મુદ્દે તેઓ કેન્દ્રની એનડીએ સરકારની ટીકા કરી ચૂક્યા છે. તેમણે ખેડૂતો અને મહિલા કુસ્તીબાજોના વિરોધના મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.