પશ્ર્ચિમ બંગાળમાં આઠ સ્થળે સીબીઆઈના દરોડા
નવી દિલ્હી : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ રીક્રુટમેન્ટમાં સરહદી વિસ્તારના રહેવાસીને મળતા લાભો હાંસલ કરવા ડોમિસાઈલ દસ્તાવેજનો બનાવટી ઉપયોગ કરવાના કેસમાં કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આઠ ટેકાણામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ દરોડા પાડ્યા હતા. કલકત્તા હાઈ કોર્ટના આદેશને પગલે સીબીઆઈએ ગયા ઓગસ્ટમાં પોતાના હાથમાં તપાસ લીધી હતી. આમાં એવો આક્ષેપ છે કે અનેક ઉમેદવારોએ બનાવટી ડોમિસાઈલની મદદથી પોતે સરહદી વિસ્તારના છે એવો દાવો કરીને સશસ્ત્ર દળો ને સીએપીએફમાં નીચા કટ ઓફ માર્કનો લાભ લઈને નોકરી મેળવી હતી. એફઆઈઆરમાં એવો દાવો કરાયો હતો કે અમુક પાકિસ્તાની નાગરિકોને પણ આનો લાભ મળ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે બનાવટી ડોમિસાઈલ દસ્તાવેજ બનાવવામાં સંડોવાયેલા કૌભાંડકારી પર દરોડા પડાયા હતા.
સીબીઆઈની પ્રાથમિક તપાસના તારતમ્યો તપાસતાં ન્યાયમૂર્તિ જય સેનગુપ્તાએ એવી નોંધ લીધી હતી કે સશસ્ત્ર દળોની ભરતીમાં કોઈ ગેરરીતિ કરાઈ નથી, પરંતુ કેન્દ્રના અર્ધ લશ્કરી દળોમાં ચાર બનાવો પ્રકાશમાં આવ્યા છે. બંગાળ સરહદી રાજ્ય હોવાથી કેન્દ્રના અર્ધ લશ્કરી દળોમાં સરહદી વિસ્તારોના રહેવાસીને નીચા કટ ઓફમાં નોકરી મળે છે. (એજન્સી)