‘હું બીમાર છું છતાંય મને પરેશાન કરવામાં આવી રહ્યો છે’, CBI દરોડાથી ભડક્યા સત્યપાલ મલિક
નવી દિલ્હીઃ સીબીઆઈની ટીમ આજે સવારે સત્યપાલ મલિકના આવાસ પર પહોંચી હતી. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેકટમાં સંભવિત કૌભાંડના મામલે આ દરોડા પાડ્યા હતા અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. સત્યપાલ મલિક પોતાના ઘરે સીબીઆઇની ટીમના આગમનથી નારાજ થયા છે અને તેમણે નામ લીધા વિના પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સત્યપાલ મલિકનું કહેવું છે કે સીબીઆઇની ટીમે તેમના ઘરે એવા સમયે દરોડા પાડ્યા છે જ્યારે તેઓ બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3-4 દિવસથી બીમાર છે.
સત્યપાલ મલિકે ટ્વીટ કર્યું હતું કે, ‘હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં સરમુખત્યાર દ્વારા સરકારી એજન્સીઓ દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મારા ડ્રાઇવર અને મારા આસિસ્ટન્ટને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તેમને પણ નાહકના હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે. હું એક ખેડૂતનો દીકરો છું. હું આવા દરોડાથી ડરતો નથી.
હું ખેડૂતોની સાથે છું. સત્યપાલ મલિકે પોતાનો ઇરાદો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા રહેશે. નોંધનીય છે કે સત્યપાલ મલિકે અગાઉ પણ 2020-21માં ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું અને સરકાર પર દમનનો આરોપ લગાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર ઉપરાંત મેઘાલય અને ગોવાના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિક સતત મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે જ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ પાસે કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કથિત કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2200 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટની મંજૂરીની ફાઇલ પણ તેમની પાસે આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તે ફાઇલ પાસ કરશે તો તેમને 300 કરોડ રૂપિયાની લાંચ મળશે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમણે આ ફાઇલ પાસ કરી નહોતી. તેમના આવા આક્ષેપ બાદ એજન્સીએ કેસ નોંધ્યો હતો અને એપ્રિલ 2022 થી આ મામલાની તપાસ કરી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક બાગપતના સિંઘાવલી આહિર પોલીસ સ્ટેશન વિસ્તારના હિસાવડા ગામના રહેવાસી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તેઓ દિલ્હીના આરકે પુરમમાં પરિવાર સાથે રહે છે.