કોલકાતા રેપ કેસમાં આરોપીઓનો CBIએ કર્યો પોલીગ્રાફ ટેસ્ટ: પૂર્વ પ્રિન્સિપાલની સામે CBIએ કર્યો નવો કેસ
કોલકાતા: કોલકાતા બળાત્કાર કેસને ઉકેલવા માટે સીબીઆઈની તપાસ તમામ શક્ય પગલાંઓને અજમાવી રહી છે. મુખ્ય આરોપીથી લઈને પૂર્વ પ્રિન્સિપાલની કલાકોની પૂછપરછ બાદ હવે પોલીગ્રાફ ટેસ્ટનો વારો છે. આજે સાત વ્યક્તિઓનો પોલીગ્રાફ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. દિલ્હીથી CFSL ટીમ કોલકાતા ગઈ હતી અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રાય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ચાર જુનિયર ડોક્ટર્સ અને એક સ્વયંસેવકના નામની પણ તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત
કેસના મુખ્ય આરોપી સંજય રાય હાલ 14 દિવસની ન્યાયિક રીમાન્ડ પર છે. આથી તેનો પોલિગ્રાફ ટેસ્ટ જેલમાં જ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય છ લોકોનો પોલિગ્રાફ ટેસ્ટ સીબીઆઇ કાર્યાલયે કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી હોવાના નાતે સંજય રાયનો પોલિગ્રાફ ટેસ્ટ આ કેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેની પાસેથી જાણવાનું છે કે શંકાના આધારે ગુનો ક્યારે અને કેવી રીતે આચરવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલ છે કે કેમ. મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ શરૂઆતથી જ શંકાના દાયરામાં છે અને આજે તપાસના નવમા દિવસે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી..
પૂર્વ પ્રિન્સિપાલની પણ શંકાસ્પદ ભૂમિકા:
ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકાને લઈને પણ અનેક પ્રશ્નો છે, કારણ કે તેઓ હોસ્પિટલના વડા હતા, તેમનું વર્તન અને નિર્ણયો શંકાના દાયરામાં છે. કેસની તપાસ માટે ત્રણ પ્રશ્નો મહત્વના છે કે તેને ઘટનાની માહિતી ક્યારે અને કેવી રીતે મળી, ફરિયાદ દાખલ કરવામાં કેમ વિલંબ થયો અને પુરાવાઓના રક્ષણ બાબતે બેદરકારી શા માટે દાખવવામાં આવી? તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આજે CBIએ આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધ્યો છે. કોલકાતા હાઈકોર્ટે તેમની સામે અલીપોર કોર્ટમાં એફઆઈઆરની કોપી આપી છે.
અન્ય ડોકટરોના પણ રિપોર્ટ:
આ સિવાય બાકીના ચાર જુનિયર ડોકટરોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો કારણ કે તે રાત્રે સ્થળ પર હાજર હતા. તેઓ આ કેસની વાસ્તવિકતા અને મોટા સત્યને ઉજાગર કરી શકે છે. પીડિત લેડી ડોક્ટરે ઘટનાની આગલી રાત્રે તેની સાથે ડિનર કર્યું હતું. તે રાત્રે શું થયું તેના પરથી આજની તપાસ બાદ પડદો ઉઠી શકે છે. આ સિવાય એક સ્વયંસેવકની તપાસ કરવામાં આવી હતી કારણ કે તેની પાસેથી ઘણી માહિતી મળી શકે છે. કોલકાતા રેપ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને એક આરોપી સંજય રોયની ધરપકડ સિવાય કંઈ મળ્યું નથી.
શું છે પોલીગ્રાફ ટેસ્ટ?
પોલીગ્રાફ ટેસ્ટ આરોપી પાસેથી જૂઠાણું શોધી કાઢવા માટે કરવામાં આવે છે અને આ ટેસ્ટ કોર્ટની સંમતિથી કરવામાં આવે છે. જેમાં લાઇ ડિટેક્ટર મશીન દ્વારા ગુનેગારનો પર્દાફાશ થાય છે. આમાં, જવાબ આપતી વખતે આરોપીના શરીરમાં થતા ફેરફારોનો ઉપયોગ કરીને તે નક્કી કરવામાં આવે છે કે તે સાચું બોલે છે કે ખોટું. પોલીગ્રાફ ટેસ્ટને બહુ અસરકારક પુરાવો માનવામાં આવતો નથી, તેમ છતાં અદાલતો તેને અવગણતી પણ નથી.