સતના (મધ્ય પ્રદેશ): જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું છે અને તે લોકોનું જીવન બદલી નાખશે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું. જો અમે સત્તામાં આવીશું તો અમારો પક્ષ મધ્ય પ્રદેશમાં તેમ જ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત સર્વેક્ષણ હાથ ધરશે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્ય પ્રદેશના સતના ખાતે એક જાહેરસભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ વધતી બેરોજગારીને મામલે ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
રાહુલે કહ્યું હતું કે રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ અમે પહેલું કામ જાતિ આધારિત જનગણના કરીશું જેથી કરીને રાજ્યમાં ઓબીસીની સંખ્યાનો ચોક્કસ આંકડો મેળવી શકાય.
આ કાર્યવાહી એક્સ-રે સમાન હશે જેને કારણે રાજ્યમાં ઓબીસીની સંખ્યાનો ચોક્કસ આંકડો મળી શકશે અને એ આધારે ઓબીસીના લોકો માટે નીતિ ઘડવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)
