નેશનલ

કેશ ફોર ક્વેરીઃ હવે મહુઆ મોઇત્રાની ફરિયાદ એથિક્સ કમિટીમાં, 26 ઓક્ટોબરે સુનાવણી


સંસદની એથિક્સ કમિટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામેની કેશ ફોર ક્વેરી ફરિયાદ પર 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની વતી સંસદમાં મોઇત્રા પર પ્રશ્નો પૂછવા માટે લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કરેલી તેમની ફરિયાદમાં દુબેએ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ સાંસદે તાજેતરમાં સંસદમાં પૂછેલા 61 પ્રશ્નોમાંથી 50 હિરાનંદાની અને તેના જૂથના હિતોનું રક્ષણ કરવાના આશયથી પૂછાયા હતા. તેમણે મોઇત્રા સામેના આરોપોની તપાસ માટે સ્પીકરને તપાસ સમિતિ ની રચના કરવા વિનંતી કરી.
બીજેપી સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહુઆ મોઇત્રાએ તેમની લોકસભાની વેબસાઇટની લોગિન એક્સેસ સંબંધિત બિઝનેસમેન સાથે શેર કરી છે. દુબેએ દાવો કર્યો હતો કે વકીલ જય અનંત દેહાદરાયએ મોઇત્રા અને દર્શન હિરાનંદાની વચ્ચે લાંચની આપ-લેના સ્પષ્ટ પુરાવા શેર કર્યા હતા. જો કે, મોઇત્રાએ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે તેમના (દુબે) વિરુદ્ધ પેન્ડિંગ આરોપોનો સામનો કર્યા પછી લોકસભા અધ્યક્ષ દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાનું તેણી સ્વાગત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આરોપો માત્ર જુઠ્ઠાણા પર આધારિત છે
તમને જણાવી દઈએ કે નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઇત્રા પૈસા અને ભેટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછે છે. નિશિકાંત દુબેએ બે દિવસ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં આ આરોપો લગાવ્યા હતા. દુબેની ફરિયાદ પર બિરલાએ આ મામલો લોકસભાની એથિક્સ કમિટીને મોકલી આપ્યો છે. એથિક્સ કમિટીના અધ્યક્ષ ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકર છે. મળતી માહિતી અનુસાર આ કેસની સુનાવણી 26 ઑક્ટોબરના રોજ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button