સાવધાન! કેરળમાં મગજને ગંભીર રીતે અસર કરતી બીમારીથી 19ના મોત, લોકોમાં ચિંતા

તિરુવનંતપુરમ: કેરળમાં એક દુર્લભ અને જીવલેણ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. કેરળમાં મગજના ચેપ ‘અમીબિક મેનિન્જોએન્સેફાલાઇટિસ’ને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા મૃત્યુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયા છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. પ્રાથમિક અમીબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM)ના કેસોમાં વધારો થવાને કારણે આરોગ્ય અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
આ એક મગજનો ચેપ છે જેનો મૃત્યુદર ખૂબ ઊંચો છે. આ ચેપ નેગ્લેરિયા ફાઉલેરી (Naegleria fowleri)ને કારણે થાય છે, જેને સામાન્ય રીતે ‘મગજ ખાનાર અમીબા’ કહેવામાં આવે છે. આ વર્ષે કેરળમાં આ દુર્લભ બીમારીના 61 કેસ કન્ફર્મ થયા છે. જેમાંથી 19 દર્દીઓના મોત થયા છે. આ એક દુર્લભ રોગ છે જે સામાન્ય રીતે અમીબાવાળા તળાવમાં સ્નાન કરતા 26 લાખ લોકોમાંથી માત્ર એકને જ ચેપ લગાડે છે.
આપણ વાંચો: તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
કેરળના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જુલાઈથી મગજના તાવના કેસોમાં વધારો થતાં રાજ્યના ઉત્તરીય જિલ્લાઓમાં કૂવાઓ અને તળાવોના ક્લોરિનેશન સહિત સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું છે કે કેરળ એક ગંભીર જાહેર આરોગ્ય પડકારનો સામનો કરી રહ્યું છે. પહેલાં કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓમાં ક્લસ્ટર સાથે સંકળાયેલા ચેપ હવે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા જોવા મળી રહ્યા છે.
આરોગ્ય પ્રધાને વિગતો આપતા જણાવ્યું હતું કે આ બીમારીનો ભોગ બનનારમાં નાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, ગયા વર્ષથી વિપરીત, આ વખતે આપણે કોઈ એક જળ સ્ત્રોત સાથે જોડાયેલા ક્લસ્ટર જોવા મળી રહ્યા નથી. આ જુદા જુદા કિસ્સાઓ છે, અને તેણે અમારી રોગચાળા સંબંધી તપાસને જટિલ બનાવી દીધી છે.”