ડોડામાં શહીદ થયેલા કેપ્ટન દીપક સિંહ હતા તેજસ્વી હૉકી ખેલાડી…
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક સિંહ શહીદ થયા છે. ભારતીય સેના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સૈન્ય અધિકારી હોવા ઉપરાંત દીપક સિંહ હોકીના તેજસ્વી ખેલાડી પણ હતા. શહીદ કેપ્ટન દીપક સિંહ કાઉન્ટર ઈન્સર્જન્સી 48 રાષ્ટ્રીય રાઈફલ્સમાં સિગ્નલ ઓફિસર તરીકે તૈનાત હતા. તે ક્વિક રિએક્શન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ટીમ ડોડાના અસારમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી રહી હતી. આ દરમિયાન આતંકીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા હતા.
યુવા સેનાના સર્ચ ઓપરેશનમાં ટીમનું નેતૃત્વ કરવા માટે તેમને ફિલ્ડ મેજર બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કરતાં યુદ્ધના મેદાનમાં શહીદ થતા પહેલા આતંકવાદીને મારી નાખ્યો હતો. રાષ્ટ્રીય રાઈફલ્સમાં કેપ્ટન રહેવાની સાથે સાથે તેઓ હોકીના તેજસ્વી ખેલાડી પણ હતા.
આ પણ વાંચો : Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને દિલ્હીમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત
તેમની શહાદત પહેલા એવી માહિતી જાણવા મળી હતી કે ડોડાના અસાર વિસ્તારમાં એક આતંકવાદી ઘાયલ થયો હતો, જેના વિશે હવે માહિતી આવી છે કે તે માર્યો ગયો છે. સેનાએ ડોડા વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું.
સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણના સ્થળેથી લોહીથી લથપથ ચાર થેલા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે જૈશના ચાર આતંકવાદીઓનું જૂથ ગંભીર રીતે ઘાયલ થયું છે, પણ જ્યાં સુધી અથડામણના સ્થળેથી મૃતદેહો બહાર ન આવે ત્યાં સુધી તેમની હત્યા કરવામાં આવી છે કે નહીં તેની પુષ્ટિ થઇ શકે તેમ નથી. હાલમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ગયા મહિને ડોડા જિલ્લામાં પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ જવાનોનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે તેમની આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી.