નેશનલ

અહેવાલ ખોટો હોય તો પણ પત્રકાર સામે કાર્યવાહી ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ


વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારનું રક્ષણ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પત્રકારના અહેવાલમાં ખોટા કે ભૂલભરેલા નિવેદન હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવી તે ભયાવહ કે અતિશયોક્તિ ગણાશે. મણિપુરની હિંસાના મીડિયા કવરેજ અને સરકારના કામકાજ અંગેના એડિટર ગિલ્ડના ત્રણ સભ્યના અહેવાલ સામે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં કોર્ટે આ વાત કહી હતી. તેમણે આ ત્રણ પત્રકારોની ધરપકડથી પણ રાહત આપી હતી. કોર્ટે કહ્યું કે સમુદાયોમાં દુશ્મનાવટ પેદા કરવા માટે લગાવવામાં આવતી આઈપીસી સેકશન 153એની કલમ હેઠળ પત્રકારો સામે કોર્ટ કાર્યવાહી કરવાનું આત્યંતિક કહી શકાય. તેમનો અહેવાલ સાચો કે ખોટો હોઈ શકે, પણ તેને જ તો વાણીનું સ્વાતંત્ર્ય કહી શકાય.
મૈતી એનજીઓ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમણે એફઆઈઆર પાછી ખેંચવાની પત્રકારોની અપીલનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમનો અહેવાલ જુઠાણાથી ભરેલો હતો અને કુકી સમાજની તરફેણ કરતો હતો. જેને લીધે બન્ને સમુદાય વચ્ચે ખાઈ વધી અને હિંસા ફાટી નીકળી.
સીજેઆઈએ જણાવ્યું હતું કે એક વાર માની લઈએ કે અહેવાલ ખોટો છે, તો પણ આ સેક્શન 153એ હેઠળ ગુનો થતો નથી. કોઈ પત્રકાર દ્વારા પોતાના અહેવાલમાં લખાયેલું ખોટું વિધાન આ કલમ હેઠળ ગુનો થતો નથી. આખા દેશમાં દરરોજ પત્રકારો દ્વારા તેમના લેખ-અહેવાલમાં ખોટા નિવેદનો થતા રહે છે, તો શું અમારે બધા સામે 153એ હેઠળ કાર્યવાહી કરવાની, તેવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. તેમણે ઈજીઆઈના સભ્યો પર કલમ 200 કેમ લગાડવામાં આવી તેવો સવાલ પણ કર્યો હતો.
કોર્ટે એમ પણ કહ્યું કે ઈજીઆઈને આર્મીએ લખ્યું હતું કે મણિપુરની હિંસાનું પક્ષપાતી રિપોર્ટિંગ થઈ રહ્યું છે. આર્મીએ તેમન આમંત્રણ આપ્યું હતું. તેઓ ગયા અને પોતાનો અહેવાલ તેમણે રજૂ કર્યો હતો.
સુનાવણી સમયે ઈજીઆઈના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મણિપુર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ઈજીઆઈના અહેવાલ વિરુદ્ધની જનહીત અરજી દાખલ કરે છે અને પત્રકારોને પ્રતિક્રિયા આપવા નોટિસ મોકલે છે. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે ચીફ જસ્ટિસ દ્વારા જે રીતે અપીલો લેવામાં આવી છે, તે વિશે અમારે કંઈ બોલવું નથી. આ પ્રકારની જનહીતની અરજીઓ કરતા વધારે મહત્વના કેસ છે, જેના પર સુનાવણી કરવી જોઈએ, તેવી ટકોર સુપ્રીમે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button