PM મોદી સામે વારાણસી સીટ પર I.N.D.I.A ગઠબંધનનો આ ઉમેદવાર ફાઈનલ? જાણો કેવો રહ્યો છે મુકાબલો
વારાણસી: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પીએમ મોદી સામે કોણ મેદાનમાં ઉતરશે. પીએમ મોદી ઉત્તર પ્રદેશની વારાણસી સીટ પરથી ઝંપલાવશે હવે તેમની સામે કોને ઉભા રાખવાના તે અંગે ઈન્ડિયા ગઠબંધનમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી વારાણસી લોકસભા સીટ માટે ઈન્ડિયા એલાયન્સ દ્વારા કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.
વારાણસી લોકસભા સીટ પર પ્રધાનમંત્રી મોદીને ટક્કર આપી શકે તેનો ઉમેદવાર શોધવા માટે વિચારમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વારાણસી લોકસભા સીટ માટે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયનું નામ આગળ ચાલી રહ્યું છે અને તેના પર લગભગ અંતિમ મહોર લાગી ગઈ છે.
વારાણસી લોકસભા સીટ પરથી અજય રાય ફરી એકવાર વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા અજય રાયના નામને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. સીટને લઈને અજય રાય સાથે વાતચીત ચાલી રહી છે. જો અજય રાય વારાણસી બેઠક પર સહમત થાય છે, તો તેઓ ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ઉમેદવાર હશે. આ પહેલા તેઓ 2014ની લોકસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડ્યા હતા.
હવે રસપ્રદ બાબત એ છે કે અજય રાય ખુદ યુપીની બલિયા સીટ પરથી ઉમેદવારી નોંધાવવા માંગતા હતા પણ હવે આ સીટ સમાજવાદી પાર્ટીના ખાતામાં જતા તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. તેથી હવે તે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 22 માર્ચે લખનૌમાં યોજાનારી કોંગ્રેસ પાર્ટીની બેઠક પહેલા તેમના નામની જાહેરાત કરવામાં આવશે.
જો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય વારાણસીથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે તો તેમના માટે આ લોકસભા સીટ પર ચૂંટણીનો માર્ગ એટલો સરળ નહીં હોય. આ સીટ પર ભાજપના સૌથી મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને 2014 અને 2019માં વડાપ્રધાન મોદી સામે અજય રાયનો પરાજય થયો હતો એટલું જ નહીં, પરંતુ 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ પિંડરા વિધાનસભાથી હાર્યા હતા. આવી સ્થિતિમાં જો અજય રાય આગામી દિવસોમાં ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે વારાણસીથી ચૂંટણી લડશે તો આ લોકસભા સીટ પર વડાપ્રધાન મોદીને કેટલો પડકાર આપી શકશે તે જોવું રસપ્રદ રહેશે.