નવી દિલ્હી: કેનેડાએ ફરી એકવાર ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેને કારણે બંને પક્ષે રાજદ્વારીય સંબંધો વધુ વણસ્યા (India-Canada tension) છે. આ વખતે ટ્રુડો સરકારે (Justin Trudeau) આરોપોમાં ભારત સરકારનું નામ લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi) સાથે જોડ્યું છે. મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાબતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ હાલ ચર્ચામાં છે, ત્યારે કેનેડા સરકારે આ આરોપ લગાવ્યા છે.
સોમવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે દાવો કર્યો હતો કે ગયા વર્ષે કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને અન્ય સંબંધિત કેસોની તેની તપાસમાં ભારત સરકારના એજન્ટો સાથે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હતી. કેનેડિયન પોલીસના આ આરોપ પહેલા ઓટ્ટાવાએ ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા અને અન્ય હાઈ કમિશનરો પર નિજ્જરની હત્યામાં ‘રેફરન્સ વ્યક્તિ’ હોવાનો આરોપ લગાવ્યો હતો.
કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે ભારત સરકારના એજન્ટો દ્વારા માહિતી એકઠી કરવા માટે કેનેડા અને વિદેશમાં વિવિધ સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાંની કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાને ભારત સરકાર માટે કામ કરવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આરોપ લગાવ્યો કે ભારત સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાઈ સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેનેડિયન પોલીસને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું ભારતીય એજન્ટો શીખ સમુદાયના લોકોને નિશાન બનાવી રહ્યા છે? આ અંગે કેનેડિયન પોલીસના બ્રિજિટ ગૌવિને કહ્યું કે દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને કેનેડામાં હાજર ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ગૌવિને કહ્યું, ‘અમને મળેલી માહિતી મુજબ તેઓ ગેંગનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એક ગેંગ આમાં સામેલ છે, જે બિશ્નોઈ ગેંગ તરીકે જાણીતી છે. અમે દાવો કરીએ છીએ કે આ ગેંગ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલી છે.’
ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાને વળતો જવાબ આપ્યો છે છે ભારતે કહ્યું કે કેનેડાએ નિજ્જર હત્યા કેસમાં એક પણ પુરાવા આપ્યા નથી. ભારત સરકારે કહ્યું કે વારંવારની ભલામણો છતાં ટ્રુડોની સરકારે ખાલિસ્તાનીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને વોટ બેંકની રાજનીતિ માટે સતત ખોટા આરોપો લગાવી રહી છે.