નેશનલ

કેનેડાએ ભારતમાંથી વધારાના ૪૧ રાજદ્વારીને પાછા બોલાવી લીધા

ટોરોન્ટો: કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં કેનેડાના ૬૨ રાજદ્વારીમાંથી ૪૧ને તેમના આશ્રિતો સહિત પાછા બોલાવવામાં આવ્યા છે. હવે ભારતમાં ૨૧ કેનેડિયન રાજદ્વારી છે.

જૂનમાં ખાલિસ્તાનવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના કેનેડાના આરોપના પગલે થયેલા વિવાદનું આ પરિણામ છે.

ભારતે કેનેડા પર અલગતાવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે, પરંતુ હત્યામાં તેની સંડોવણીના આરોપને વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો અને આરોપ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા રાજદ્વારી પગલાં લીધા હતા.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ અગાઉ કેનેડામાં ભારતના કર્મચારીઓની સંખ્યા કરતા ભારતમાં ૪૧ કેનેડિયન રાજદ્વારી વધારે હોવાથી એમાં ઘટાડો કરવાની હાકલ કરતા જણાવ્યું હતું કે જો એમ નહીં થાય તો એમની રાજદ્વારી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે.

જોલીએ કહ્યું કે રાજદ્વારી સુરક્ષા દૂર કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે, પણ કેનેડા ભારતીય રાજદ્વારીઓ સાથે આવું કરવાની ધમકી નહીં આપે.

જોલીએ કહ્યું કે ભારતના નિર્ણયથી બંને દેશોના નાગરિકો માટેની સેવાઓના સ્તરને અસર થશે. કેનેડા ભારતના ત્રણ મોટા શહેરોમાં વ્યક્તિગત સેવાઓને અટકાવી રહ્યું છે. ૪૫ વર્ષના શીખ નેતા નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના આક્ષેપોમાં તથ્ય હોવાનું કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રૂૂડૂએ ગયા મહિને કહ્યું હતું. માસ્કધારી બંદૂકધારી દ્વારા વાનકુંવરસ્થિત સર્રેમાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.

ભારતમાં જન્મેલો અને કેનેડાનો નાગરિક નિજ્જર આતંકવાદ સાતે કડી ધરાવતો હોવાનો આક્ષેપ ભારત વરસોથી કરી રહ્યું હતું. જોકે, નિજ્જરે ભારતના આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ભારતે કેનેડાના નાગરિકોના વિઝા પણ રદ કર્યા હતા અને એ બદલ કેનેડાએ કોઈ પ્રતિક્રિયા પણ નહોતી આપી. કેનેડાએ ભારતના વરિષ્ઠ રાજદૂતની
હકાલપટ્ટી કર્યા બાદ અગાઉ ભારતે પણ કેનેડાના વરિષ્ઠ રાજદૂતની હકાલપટ્ટી કરી હતી.

કેનેડા આ મામલે વધુ ઉશ્કેરણી કરવા માગતું ન હોવાનું જણાવી ટ્રૂડૂએ રાજકીય વિવાદને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button