કૅનેડા સ્થિત ગૅંગસ્ટર ગોલ્ડી બ્રારને કેન્દ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયો
નવી દિલ્હી: કેનેડા સ્થિત ગેંગસ્ટર અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને રવિવારે સરકારે આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત એજન્સી દ્વારા સમર્થિત બ્રાર, અનેક હત્યાઓમાં સામેલ છે અને કટ્ટરપંથી વિચારધારાનો દાવો કરે છે. તેણે રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણીની માગણી કરવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કર્યાં છે.
બ્રાર સરહદ પારથી ડ્રોન મારફત ઉચ્ચ કક્ષાના શસ્ત્રો, દારૂ ગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં સંડોવાયેલો છે અને હત્યા કરવા માટે તેને સપ્લાય કરે છે અને શાર્પશૂટરો પણ પૂરા પાડે છે. તે પંજાબના શ્રી મુક્તસર સાહિબનો વતની છે અને હાલમાં કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે બ્રાર અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ, આતંકવાદી મોડ્યુલ ઊભા કરવા, લક્ષિત હત્યાઓ અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવા સહિતની નાપાક યોજનાઓ દ્વારા પંજાબમાં શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ છે.
કેન્દ્ર સરકાર માને છે કે બ્રાર આતંકવાદમાં સામેલ છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની ચોથી સૂચિમાં આતંકવાદી તરીકે ઉમેરવામાં આવશે.