યુદ્ધ અટકાવી શકે છે, પણ પેપરલીક નહીંઃ રાહુલ ગાંધીના વડા પ્રધાન પર પ્રહારો

નવી દિલ્હીઃ મેડિકલમાં એડમિશન માટે લેવામાં આવતી પરીક્ષા NEET પરીક્ષા દેશોન સળગતો મુદ્દો બની ગયો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTAએ તાજેતરમાં યોજાયેલી UGC NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.
NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ અને દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે ટોણો પણ માર્યો છે કે વડા પ્રધાન યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકાવી શકે છે, પરંતુ પેપર લીક અટકાવી શકતા નથી.
આ પણ વાંચો : NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ
જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે હા, અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં રાજકીય વિચારધારાના આધારે નિમણૂકો થઈ રહી છે. જેના કારણે આ સમસ્યાઓ સામે આવી રહી છે.
ગાંધીએ કહ્યું કે સરકારે નોટબંધી અને અર્થવ્યવસ્થા સાથે જે કર્યું તે હવે શિક્ષણ પ્રણાલી સાથે કરવામાં આવ્યું છે. એક સ્વતંત્ર, ઉદ્દેશ્યલક્ષી શિક્ષણ પ્રણાલીને તોડી પાડવામાં આવી છે. મહત્વનું છે કે અહીં જે લોકો દોષિત છે તેમને સજા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે.