શું બિહારની જેમ જાતિ આધારિત વસ્તીની વિગતો કર્ણાટક જાહેર કરી શકશે? વિમાસણમાં સિદ્ધારમૈયા સરકાર
સિદ્ધારમૈયા પોતે ઓબીસી કેટેગરીમાંથી આવે છે જ્યારે ઉપ મુખ્યપ્રધાન ડી કે શિવકુમાર વોક્કલિગા છે.

બેંગ્લુરૂ: કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ ઓબીસી આયોગ સિદ્ધારમૈયાને સોંપવા જઇ રહી છે પરંતુ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા હાલ તેને સાર્વજનિક કરવાના મૂડમાં જણાઇ નથી રહ્યા. લોકસભા ચૂંટણી સુધી આ રિપોર્ટ જાહેર થવાની હાલ તો શક્યતાઓ ઓછી છે. નવેમ્બર સુધીમાં ઓબીસી આયોગ આ રિપોર્ટ કર્ણાટકની સરકારને સોંપી દેશે.
કર્ણાટકના ઓબીસી કમિશનના અધ્યક્ષ જય પ્રકાશ હેગડેએ કહ્યું કે આ રિપોર્ટમાં શું છે તે હું જણાવી નહિ શકું, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે હું રિપોર્ટ સબમિટ કરી રહ્યો છું.
આ રિપોર્ટ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકમાં અનુસૂચિત જાતિ અને મુસ્લિમોની વસ્તી લિંગાયત અને વોક્કલિગા સમુદાયો કરતાં વધુ છે, એટલે કે કર્ણાટકમાં લિંગાયતો અને વોક્કાલિગાઓના વર્ચસ્વ અંગેની પ્રજામાં જે સામાન્ય માન્યતાઓ છે તે સમાપ્ત થઈ જશે. કહેવાય છે કે આ બે જ્ઞાતિઓના દબાણને કારણે અત્યાર સુધી કોઈ પણ મુખ્યપ્રધાન વસ્તીનો અહેવાલ જાહેર કરવાની હિંમત દાખવી શક્યા નથી, પરંતુ હવે મુસ્લિમો અને અનુસૂચિત જાતિઓ આ મામલે સરકારને દબાણ કરી રહી છે.
વરિષ્ઠ એસસી નેતા અને વિચારક એમ વેંકટસ્વામીએ કહ્યું હતું કે સરકારે આ અહેવાલને તાત્કાલિક સાર્વજનિક કરી દેવો જોઇએ.
ભાજપ જાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરી રહ્યું છે પરંતુ જેડીએસ તેના સમર્થનમાં છે. સિદ્ધારમૈયા પોતે ઓબીસી કેટેગરીમાંથી આવે છે જ્યારે ઉપ મુખ્યપ્રધાન ડી કે શિવકુમાર વોક્કલિગા છે. તેમણે પણ આ અંગે કોઇ સત્તાવાર નિવેદન હજુસુધી આપ્યું નથી. સિદ્ધારમૈયા સમગ્ર મામલે કોઇ વચલો રસ્તો નીકળે તેની રાહ જોઇ રહ્યા છે. તેમણે પ્રાથમિક રીતે જણાવ્યું છે કે રિપોર્ટ તેમને મળ્યા બાદ કેબીનેટ પાસે જશે અને તે પછી નક્કી થશે કે તેને ક્યારે જાહેર કરવો.
જો ખરેખર જાતિ આધારિત રિપોર્ટ જાહેર થાય તો બિહાર પછી કર્ણાટક બીજુ રાજ્ય હશે કે જે આ પ્રકારે વસતીની વિગતો જાહેરમાં મુકે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા આ રિપોર્ટ બહાર પાડવાની હિંમત દાખવી શકશે કે પછી તેને કેબિનેટની ઉપ સમિતિને સોંપી દેવામાં આવશે. એવી અટકળો છે કે આ રિપોર્ટ લોકસભાની ચૂંટણી પછી જાહેર કરવામાં આવશે.