રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠક માટેનો પ્રચારનો અંત: શનિવારે મતદાન
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ગુરુવારે સાંજે ૬.૦૦ કલાકે બંધ થયો હતો. સાંજના ૬.૦૦ કલાક પછી ચૂંટણી સંબંધી જાહેર સભા અથવા રોડ શો અથવા ટેલિવિઝન પર પ્રચાર કરી શકાતો નથી. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે જોગવાઇઓનો ભંગ કરનારાઓને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અને બન્ને કરી શકાય છે. ચૂંટણી પ્રચારનો અંત આવ્યા પછી જે તે મતવિસ્તારનો મતદાર અથવા ઉમેદવાર અથવા સંસદસભ્ય અથવા વિધાનસભ્ય ત્યાં રહી નહીં શકે તેવા નિર્દેશ ચૂંટણીપંચે આપ્યા છે.
રાજસ્થાનમાં શનિવારે સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધીનું મતદાન કરી શકાશે. વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.
રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ બેઠક છે. શ્રીગંગાનગર, કરણપુર બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર ગુરમીતસિંહ કુન્નરના નિધન પછી ૧૯૯ બેઠક પર મતદાન થશે રાજ્યના ૧૯૯ મતદાર વિભાગમાં કુલ ૫,૨૫,૩૮,૧૦૫ મતદાર છે.
રાજસ્થાનમાં કૉંગ્રેસ, ભાજપ બે મુખ્ય પ્રતિસ્પર્ધી છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી) અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
કૉગ્રેસનું ચૂંટણીપ્રચાર અશોક ગહલોત સરકારની કામગીરી પર આધારિત હતો. ગહલોત સરકારની યોજનાઓ અને પક્ષે જાહેર કરેલી સાત ગેરંટી પર કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓ સામેના ગુના, તુષ્ટીકરણ, ભ્રષ્ટાચાર, પેપરલીક કૌભાંડ વિગેરે મુદ્દાઓ પર ભાજપે કૉંગ્રેસની ટીકા કરી હતી.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મુખ્ય પ્રધાન ગહલોત નેતા વિગેરેએ ચૂંટણીપ્રચાર સંભાળ્યો હતો. ભાજપના પક્ષ પ્રમુખ જે.પી. નડડા, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્ર્વા સરમા અને અન્ય નેતાઓએ રાજયભરમાં જાહેર સભાઓ કરી હતી.