નેશનલવેપાર

23 દિવસમાં 35 લાખ લગ્નથી ચાર લાખ કરોડ રૂપિયાનો વકરો થવાની CAITની અપેક્ષા

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશભરના વેપારીઓએ આગામી લગ્નસરાની સિઝનમાં વધુ વેચાણ કરવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળી પછી લગ્નસરાની સિઝનમાં વેપારીઓને સારો એવો વકરો થાય એવી આશા સેવી રહ્યા છે. આ વર્ષે 23મી નવેમ્બરના દેવઉઠી એકાદશીથી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે અને આ સિઝન 15મી ડિસેમ્બર સુધી રહેશે. એક અંદાજ પ્રમાણે આ 23 દિવસના સમયગાળા દરમિયાન સંપૂર્ણ દેશભરમાં આશરે 35 લાખ જેટલા લગ્નો થશે અને 4 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે CAITની સંશોધન શાખા એટલે કે કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા તાજેતરમાં જ દેશના 20 મોટા શહેરોના વેપારીઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર આ સિઝનમાં માત્ર દિલ્હીમાં જ સાડત્રણ લાખથી વધુ લગ્નો થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે અને આ સિઝનમાં દિલ્હીમાં લગભગ રૂપિયા 1 લાખ કરોડનો બિઝનેસ થશે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં લગભગ 32 લાખ લગ્નો થયા હતા.

ગ્રહો અને નક્ષત્રોની ગણતરી અનુસાર 23મી નવેમ્બરના એટલે કે દેવઉઠી એકાદશીના દિવસથી જ લગ્નની સિઝન પૂરબહારમાં ખિલી ઉઠી હશે અને લગ્ન માટે 23મી, 24મી, 27મી, 28મી અને 29મી નવેમ્બરના મુહૂર્ત છે જ્યારે ડિસેમ્બર મહિનામાં 3જી, 4મી, 7મી, 8મી, 9મી અને 15મી ડિસેમ્બરનો દિવસ લગ્ન માટે શુભ હોવાનું કહેવાય છે.

આ વેડિંગ સિઝનમાં લગભગ 6 લાખ લગ્નોમાં લગ્ન દીઠ 3 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 10 લાખ લગ્ન માટે, લગ્ન દીઠ 6-12 લાખ રૂપિયા ખર્ચ થશે. 6 લાખ લગ્નમાં લગ્ન દીઠ 25 લાખ રૂપિયા, 50 હજાર લગ્નમાં 50 લાખ રૂપિયા અને 50 હજાર લગ્નમાં 1 કરોડ રૂપિયા કે એથી વધુ ખર્ચ થશે એવો અંદાજ કેટના સર્વેમાં વ્યકત કરવામાં આવ્યો હતો. આ એક મહિનાની લગ્ન સિઝનમાં બજારોમાં લગ્નની ખરીદીને કારણે લગભગ 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. ત્યાર બાદ 15મી જાન્યુઆરીથી ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થશે.

લગ્નસરાની સિઝનમાં સારા બિઝનેસની સંભાવનાઓને જોતા દેશભરના વેપારીઓએ કમર કસી લીધી છે. એટલું જ નહીં પણ ગ્રાહકોના સંભવિત ધસારાને ધ્યાનમાં લઈને વેપારીઓએ તમામ વ્યવસ્થા પણ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરેક લગ્નના ખર્ચનો 20 ટકા ખર્ચ વર-કન્યા પક્ષે જાય છે, જ્યારે 80 ટકા ખર્ચ લગ્ન સમારંભમાં કામ કરતી એજન્સીઓને જાય છે.
લગ્નસરાની સીઝન પહેલાં ઘર રિનોવેશન અને પેઈન્ટિંગ સહિત જ્વેલરી, સાડી, લહેંગા, ફર્નિચર, રેડીમેડ કપડાં, શૂઝ, લગ્ન અને ગ્રીટિંગ કાર્ડ વગેરેનો બિઝનેસ ધમધોકાર ચાલે છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, પૂજાની વસ્તુઓ, કરિયાણા, અનાજ, સુશોભનની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ, ઈલેક્ટ્રીકલ યુટિલિટી, ઈલેક્ટ્રોનિક્સ અને ઘણી ગિફ્ટ આઈટમ વગેરેની માંગમાં લગ્નની સિઝન દરમિયાન વધી જાય છે. પરિણામે આ વર્ષે આ તમામ ક્ષેત્રોમાં સારી કમાણી થવાની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે.

દેશના પાટનગર નવી દિલ્હી સહિત દેશભરમાં લગ્નો માટે બેન્ક્વેટ હોલ, હોટેલ્સ, ખુલ્લા લૉન, કોમ્યુનિટી સેન્ટર્સ, સાર્વજનિક ઉદ્યાનો, ફાર્મ હાઉસ અને અન્ય અનેક પ્રકારની જગ્યાઓ સંપૂર્ણપણે તૈયાર છે. પ્રોપ્સની ખરીદી ઉપરાંત, દરેક લગ્નમાં ટેન્ટ ડેકોરેટર, ફ્લાવર એરેન્જમેન્ટ, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, ટ્રાવેલ સર્વિસ, કેબ સર્વિસ, પ્રોફેશનલ ગ્રુપ્સનું સ્વાગત, શાકભાજી વિક્રેતાઓ, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ, બેન્ડ વગેરે સહિતની વિવિધ સર્વિસનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો આ વખતે કેટ દ્વારા 23 દિવસમાં 35 લાખ લગ્નના માધ્યમથી ચાર લાખ કરોડનો વકરો કરવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker