ટોપ ન્યૂઝનેશનલ

Dr. Manmohan Singh Death: સરકારે બોલાવી કેબિનેટની બેઠક; AICC પર અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહને

નવી દિલ્હી: બે વખત દેશના વડા પ્રધાન અને 1991ના ઐતિહાસિક આર્થિક સુધારાના નિર્માતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની તબિયત લથડતા દિલ્હી AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા હતા બાદમાં હોસ્પિટલે તેમના મૃત્યુની જાહેરાત કરી. જેને પગલે સરકારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે સવારે 11 વાગ્યે મોદી સરકારની કેબિનેટની બેઠક યોજાશે.

AICC પર અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહ
કોંગ્રેસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાતે 1 વાગ્યા સુધીમા મનમોહન સિંહની દીકરી અમેરિકાથી ભારત પહોંચી જશે. આવતીકાલે સવારે 8થી 10ની વચ્ચે AICC ખાતે મનમોહન સિંહનાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. AICC હેડક્વાર્ટર ખાતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસનાં તમામ મોટા નેતાઓ તેમને શ્રધ્ધાંજલી આપશે. ત્યારબાદ AICCથી તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે.

કોંગ્રેસ માંગશે અંતિમ સંસ્કારની માંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજઘાટ પાસે જ્યાં દેશના વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પણ ત્યાં કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાનનાં અંતિમ સંસ્કારમાં સરકાર પણ સામેલ હોવાથી ઘણી બાબતો મનમોહન સિંહના પરિવાર અને સરકાર પર પણ નિર્ભર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અટલ બિહારી વાજપેયીની જેમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે જગ્યાની માંગ કરશે.

Also Read – અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર મારુતિ 800 છે’,મનમોહન સિંહની સાદગી પર ભાજપના નેતા ફિદા

કાર્યકાળની છે અનેક સિદ્ધિઓ
મનમોહન સિંહને 2004માં UPA સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે ભાજપની આગેવાની હેઠળની NDA સામે ગઠબંધન જીત્યું હતું. તેમણે જુલાઈ 2005માં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગઠબંધનના વધતા દબાણ અને તેમની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ મનમોહન સિંહ બીજી મુદત માટે પણ ચૂંટાયા. મનમોહન સિંહ પ્રખ્યાત અર્થશાસ્ત્રી, ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને નરસિંહ રાવ સરકારમાં નાણામંત્રી હતા અને જેમણે 1990ના દાયકાની શરૂઆતમાં લીધેલા નિર્ણયોથી ભારતીય અર્થતંત્રને ઉંચાઇ ઉપર પહોંચાડ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button