નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે કુલ રૂ. 50,000 કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે આજે50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેથી સમગ્ર દેશમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, ટ્રાફિકમાં ઘટાડો કરવા અને કનેક્ટિવિટીને વધારી શકાય છે.
8 હાઇ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ:
1) સિક્સ લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
2) ફોર લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
3) સિક્સ લેન થરાદ-ડીશા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
4) ફોર લેન અયોધ્યા રિંગ રોડ
5)ફોર લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર
6) સિક્સ લેન કાનપુર રિંગ રોડ
7) ફોર લેન નોર્થ ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરવો.
8) પુણે નજીક 8-લેન એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર
રેલવે મંત્રીએ ગણાવ્યા ફાયદાઓ:
રેલ્વે મંત્રીએ કહ્યું કે 6 લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણથી આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ અડધો થઈ જશે. કાનપુર-મોરેગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના અર્થતંત્રમાં પરિવર્તન લાવશે. કાનપુર રિંગ રોડ કાનપુરની આસપાસના હાઇવે નેટવર્કમાં ટ્રાફિકમાં ઘટાડો કરશે. રાયપુર-રાંચી કોરિડોર પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસનો માર્ગ ખુલશે. ગુજરાતમાં અવરોધ વિના જ બંદરોની કનેક્ટિવિટી માટે હાઇ સ્પીડ રોડ નેટવર્કનું નિર્માણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા થરાદ અને અમદાવાદ વચ્ચે નવો કોરિડોર પૂર્ણ કરવામાં આવશે.