સીએએ, મારા જીવતા લાગુ નહીં થવા દઉં: મમતા
રાયગંજ: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે લોકસભા ચૂંટણી પહેલા સીએએનો મુદ્દો ઉઠાવવા બદલ ભાજપની ટીકા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન રાજ્યમાં તેના અમલીકરણને ક્યારેય મંજૂરી નહીં આપે.
ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજ ખાતે જાહેર વિતરણ કાર્યક્રમમાં બોલતા, મમતાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકતા (સુધારા) અધિનિયમ અથવા સીએએનો મુદ્દો “તકવાદી રીતે ઉઠાવ્યો છે.
મમતાએ જણાવ્યું હતું કે “ચૂંટણીઓ નજીક આવી રહી છે, ભાજપે રાજકીય લાભો મેળવવા માટે ફરીથી સીએએનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ મને એ સ્પષ્ટ કરવા દો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું પશ્ચિમ બંગાળમાં તેનો અમલ થવા નહીં દઉં.
મમતાની ટીપ્પણીઓ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા શાંતનુ ઠાકુરના તાજેતરના નિવેદન કે એક અઠવાડિયાની અંદર સીએએ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશેનાં અનુસંધાનમાં હતી.
ઠાકુરનું નિવેદન, રવિવારે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં કાકદ્વિપ ખાતે જાહેર સભા દરમિયાન આપવામાં આવ્યું હતું, જેણે વિવાદાસ્પદ કાયદાના નિકટવર્તી અમલને લગતી ચિંતાઓને વેગ આપ્યો હતો.
૨૦૧૯માં કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા ઘડવામાં આવેલ સીએએ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિંદુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓ સહિતના સતાવણીગ્રસ્ત બિન-મુસ્લિમ વસાહતીઓને ભારતીય નાગરિકત્વ આપવા વિશે છે.