ટોપ ન્યૂઝનેશનલ

CAA અમલીઃ વિપક્ષ ધૂંઆપૂંઆ, અમુક રાજ્યોમાં વિરોધ

મમતા બેનરજીએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસે પણ કરી ટીકા

નવી દિલ્હી: મોદી સરકારે નાગરિકત્વ (સુધારા) ધારા (સીએએ)ના અમલની સોમવારે જાહેરાત કરતા વિપક્ષના નેતાઓ રાતાપીળા થઇ ગયા છે અને તેના વિરોધમાં લડી લેવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પશ્ચિમ બંગાળ અને કેરળની સરકારોએ તો સીએએની સામે મોરચો માંડ્યો છે અને તેનો પોતાના રાજ્યમાં અમલ નહિ કરાવવાની ચીમકી આપી હતી.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે અમે સીએએને લગતા જાહેરનામાં (નોટિફિકેશન)નો અભ્યાસ કરીશું અને તેમાં લોકોના મૂળભૂત અધિકાર પર તરાપ મારતી જોગવાઇ જણાશે, તો તેની સામે લડી લઇશું. અગાઉ, મમતા બેનરજીએ ધમકી આપી હતી કે હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં સીએએનો અમલ થવા નહિ દઉં.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે સીએએના અમલની જાહેરાત કરવાનો સરકારનો સમય અયોગ્ય છે. લોકસભાની ચૂંટણી ઘણી નજીક આવી છે, તેવા સમયે આ જાહેરાત કરવાનો હેતુ શરણાર્થીઓના મત મેળવવાનો હોવાનું સ્પષ્ટ છે.

તેમણે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે ચૂંટણીલક્ષી બૉન્ડ્સના કેસમાં સરકારના હિતની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાથી જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે મોદી સરકારે સીએએના અમલની જાહેરાત કરી હતી.

દરમિયાન, કેરળના મુખ્ય પ્રધાન વિજયને જણાવ્યું હતું કે સીએએ કોમ અને જાતિના આધારે લોકોમાં ભાગલા પાડનારો છે અને અમે કેરળમાં તેનો અમલ થવા નહિ દઇએ. આસામના વિપક્ષોએ સીએએના અમલનો વિરોધ કર્યો હતો, જ્યારે ભાજપે આ પગલાંને આવકાર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંના અત્યાચારથી ત્રાસીને ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બરની પહેલાં ભારત આવેલા ત્યાંની લઘુમતી કોમો – હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઇ ધરાવતા નાગરિકત્વ (સુધારા) ધારા (સીએએ)ના અમલની જાહેરાત કરી હતી.

અગાઉ, ૨૦૧૬ની ૧૯ જુલાઇએ લોકસભામાં સંબંધિત ખરડો પ્રથમ વખત રજૂ કરાયો હતો. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પણ લોકસભાની ચૂંટણીની પહેલા સીએએનો અમલ કરવાની જાહેરાત કરી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button