નેશનલ

દેશભરમાં સીએએ લાગુ

નવી દિલ્હી: સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ 2019ને સોમવારથી અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદો પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતનું નાગરિકત્વ અપાવવામાં મદદ કરશે.
સીએએના નિયમોને લગતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ કાયદો અમલી બનતા મોદી સરકાર હવે 31 ડિસેમ્બર 2014 અગાઉ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્ાનથી સ્થળાંતર કરીને આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ જેવા બિનમુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાની શરૂઆત કરશે.
ડિસેમ્બર 2019માં સીએએને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી હતી, પરંતુ દેશના અનેક વિસ્તારમાં તેનો વિરોધ થયો હતો. સીએએવિરોધી પ્રદર્શન તેમ જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 100 કરતાં પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ કાયદાના અમલ અંગે જાહેરનામું બહાર પાડવામાં ન આવ્યું હોવાને કારણે તે અત્યાર સુધી અમલી નહોતો બની શક્યો.
સંસદીય બાબતોની પરિચય પુસ્તિકામાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયાના છ મહિનામાં જે તે કાયદાના નિયમો ઘડી કાઢવા જોઈએ અથવા તો લોકસભા ને રાજ્યસભાની સબઑર્ડિનેટ લેજિસ્લેશન અંગેની કમિટી પાસે સરકારે એક્સટેન્શન માગવું જોઈએ.
આ કાયદાના નિયમો ઘડી કાઢવા વર્ષ 2020થી ગૃહ ખાતું કમિટી પાસે સમયાંતરે એક્સટેન્શન લઈ રહ્યું છે.
સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઈન હોવાને કારણે અરજકર્તાઓની સગવડ માટે ગૃહ ખાતાએ પોર્ટલ તૈયાર કર્યું છે. કોઈપણ પ્રવાસી દસ્તાવેજ વિના કયા વરસે તે ભારતમાં દાખલ થયો હતો તેની અરજકર્તાએ જાણકારી આપવાની રહેશે.
અરજકર્તા પાસે કોઈ દસ્તાવેજ માગવામાં નહીં આવે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
27 ડિસેમ્બર 2023ના કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સીએએનો અમલ કોઈ અટકાવી નહીં શકે કેમ કે એ દેશનો કાયદો છે.
કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ અમિત શાહે પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આક્ષેપ કર્યો હતો.
કોલકાતામાં પક્ષની બેઠકને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે સીએએનો અમલ કરવા ભાજપ પ્રતિબદ્ધ છે.
મમતા બેનરજીના વડપણ હેઠળની ટીએમસી આરંભથી જ સીએએનો વિરોધ કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
વિવાદાસ્પદ સીએએનો અમલ કરવાનું વચન એ લોકસભા કે પ. બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી એજન્ડા નહોતો, એમ તેમણે કહ્યું હતું.
ભાજપના નેતાઓ સીએએના મુદ્દાને પ. બંગાળમાં ભાજપના ઉદયનું પરિબળ માને છે.
દરમિયાન, છેલ્લાં બે વર્ષમાં 30 કરતાં પણ વધુ જિલ્લા મેજિસ્ટે્રટ, નવ રાજ્યના ગૃહ સચિવને પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમ લોકોને સિટિઝનશિપ ઍક્ટ 1955 અંતર્ગત ભારતનું નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે.

વર્ષ 2021-22ના ગૃહ ખાતાના અહેવાલ મુજબ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા બિનમુસ્લિમોમાંથી 1,414 લોકોને પહેલી એપ્રિલ 2021થી 31 ડિસેમ્બર 2021 દરમિયાન ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. (એજન્સી)

વિપક્ષો લાલઘૂમ
નવી દિલ્હી: મોદી સરકારે નાગરિકત્વ (સુધારા) ધારા (સીએએ)ના અમલની સોમવારે જાહેરાત કરતા વિપક્ષના નેતાઓ રાતાપીળા થઇ ગયા છે અને તેના વિરોધમાં લડી લેવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પશ્ચિમ બંગાળ અને કેરળની સરકારોએ તો સીએએની સામે મોરચો માંડ્યો છે અને તેનો પોતાના રાજ્યમાં અમલ નહિ કરાવવાની ચીમકી આપી હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે અમે સીએએને લગતા જાહેરનામાં (નોટિફિકેશન)નો અભ્યાસ કરીશું અને તેમાં લોકોના મૂળભૂત અધિકાર પર તરાપ મારતી જોગવાઇ જણાશે, તો તેની સામે લડી લઇશું.
અગાઉ, મમતા બેનરજીએ ધમકી આપી હતી કે હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં સીએએનો અમલ થવા નહિ દઉં.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે સીએએના અમલની જાહેરાત કરવાનો સરકારનો સમય અયોગ્ય છે. લોકસભાની ચૂંટણી ઘણી નજીક આવી છે, તેવા સમયે આ જાહેરાત કરવાનો હેતુ શરણાર્થીઓના મત મેળવવાનો હોવાનું સ્પષ્ટ છે.
તેમણે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે ચૂંટણીલક્ષી બૉન્ડ્સના કેસમાં સરકારના હિતની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાથી જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે મોદી સરકારે સીએએના અમલની જાહેરાત કરી હતી.
દરમિયાન, કેરળના મુખ્ય પ્રધાન વિજયને જણાવ્યું હતું કે સીએએ કેોમ અને જાતિના આધારે લોકોમાં ભાગલા પાડનારો છે અને અમે કેરળમાં તેનો અમલ થવા નહિ દઇએ.
આસામના વિપક્ષોએ સીએએના અમલનો વિરોધ કર્યો હતો, જ્યારે ભાજપે આ પગલાંને આવકાર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંના અત્યાચારથી ત્રાસીને 2014ની 31 ડિસેમ્બરની પહેલાં ભારત આવેલા ત્યાંની લઘુમતી કોમો – હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઇ ધરાવતા નાગરિકત્વ (સુધારા) ધારા (સીએએ)ના અમલની જાહેરાત કરી હતી.
અગાઉ, 2016ની 19 જુલાઇએ લોકસભામાં સંબંધિત ખરડો પ્રથમ વખત રજૂ કરાયો હતો. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પણ લોકસભાની ચૂંટણીની પહેલા સીએએનો અમલ કરવાની જાહેરાત કરી હતી. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત