સીએએના અરજીકર્તાઓ મૂળ દેશના પુરાવા તરીકે નવ દસ્તાવેજો રજૂ કરી શકશે
ભારતમાં આગમન માટેના પુરાવા તરીકે 20માંથી કોઈપણ એક દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે

નવી દિલ્હી: સીએએ (સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટ 2019) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માગનારા અરજીકર્તાઓ માન્ય અથવા કાલબાહ્ય થઈ ગયેલા પાસપોર્ટ, ઓળખપત્ર અને લેન્ડ ટેનેન્સી રેકોર્ડ સહિતના નવ દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજ દ્વારા પુરાવો આપી શકશે કે તેઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બંગલાદેશના નાગરિક છે.
આવા અરજીકર્તાઓ ભારતમાં 31 ડિસેમ્બર, 2014ની પહેલાં દેશમાં આવ્યા હોવાના પુરાવા તરીકે વીસમાંથી કોઈપણ એક દસ્તાવેજ રજૂ કરી શકે છે, જેમાં વિઝા કે ભારતમાં આગમન વખતે મારવામાં આવેલો ઈમિગ્રેશનનો સ્ટેમ્પ ધરાવતો દસ્તાવેજ, ગ્રામીણ કે શહેરી સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના ચૂંટાયેલા જનપ્રતિનિધિનો ભલામણ પત્ર અથવા રેવન્યુ અધિકારીનો પત્ર વગેરે વીસમાંથી કોઈપણ એક દસ્તાવેજ રજૂ કરીને સિદ્ધ કરી શકે છે કે તેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં આવ્યા છે.
નિયમોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પાત્રતા સિદ્ધ કરવા માટે સ્થાનિક સામાજિક સંસ્થાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે તેઓ હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે અને તે જ ધર્મનું પાલન કરતા રહેશે.
સરકારે સોમવારે દેશમાં સીએએ લાગુ કર્યો હતો.
અરજીકર્તાએ એક સોગંદનામું લખીને આપવાનું રહેશે કે તેઓ વર્તમાન દેશની નાગરિકતા કાયમી ધોરણે ત્યાગી રહ્યા છે અને ભારતને તેઓ કાયમી ધોરણે પોતાનું ઘર બનાવવા માગે છે.
(પીટીઆઈ)