બેંગલુરુ: ઓનલાઈન શિક્ષણ આપતી કંપની બાયજુની આર્થિક કટોકટી વધુ ઘેરી બની રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એડટેક કંપની બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમનું ઘર તેમજ તેમના પરિવારના સભ્યોની માલિકીના ઘરો ગીરવે રાખ્યા છે. બાયજુ કંપની હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.
એક અહેવાલ મુજબ, ભૂતપૂર્વ અબજોપતિએ બેંગલુરુમાં તેના પરિવારની માલિકીના બે મકાનો અને એપ્સિલનમાં તેના નિર્માણાધીન વિલાને 12 મિલિયન ડોલર ઉધાર માટે ગીરવે રાખ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપે પૈસાનો ઉપયોગ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડના 15,000 કર્મચારીઓને પગાર ચૂકવવા માટે કર્યો હતો.
બાયજુના સ્થાપક રવીન્દ્રન કંપનીને ચાલુ રાખવા અને તેના નાણાકીય દબાણને ઘટાડવા માટે તેમની લડાઈમાં દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. કંપની, જે એક સમયે ભારતની સૌથી મૂલ્યવાન ટેક સ્ટાર્ટઅપ હતી, તે તેના યુએસ સ્થિત બાળકોના ડિજિટલ રીડીંગ પ્લેટફોર્મને લગભગ $400 મિલિયનમાં વેચવાની પ્રક્રિયામાં છે. કંપની 1.2 બિલિયન ડોલરની ટર્મ લોન પર વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ થવાને બાબતે લેણદારો સાથે કાનૂની લડાઈમાં પણ ફસાઈ છે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું કે બાયજુએ 20 ડિસેમ્બરે અન્યુઅલ જનરલ મિટિંગ(AGM) બોલાવી છે. આમાં, પ્રમોટરો દ્વારા ગીરો મૂકેલી મિલકતોને કંપનીના બોર્ડના ધ્યાન પર લાવવામાં આવશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22ના નાણાકીય પરિણામો પણ શેરધારકો સમક્ષ રજૂ કરવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે કંપની 160 કરોડના સ્પોન્સરશિપ લેણાં માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સમક્ષ ચુકવણીનો કાર્યક્રમ રજૂ કરવાની પ્રક્રિયામાં છે.
Taboola Feed