નવરાત્રીમાં ઉપવાસ કરી માતાજીની કૃપા ચોક્કસ મેળવો, પણ આ નિયમોનું પાલન જરૂરી
હિંદુ ધર્મમાં નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસનાનું અનેરું મહત્વ છે. અનેક લોકો નવરાત્રીના તમામ 9 દિવસ વ્રત-ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરતા હોય છે. જો કે આ ઉપવાસ સાથે અમુક નિયમો જોડાયેલા છે, જે કોઇ પણ શ્રદ્ધાળુ આ નિયમનું ધ્યાન રાખીને વ્રત ઉપવાસ કરે તો તેની મનોકામના અવશ્ય પૂરી થાય છે.
આ વખતે નવરાત્રી 15 ઓક્ટોબરે શરૂ થઇને 24 ઓક્ટોબર સુધી ચાલશે. નવ દિવસના નોરતા દરમિયાન ભક્તો ગરબા ગાઇને માતાજીની સ્તુતિ કરશે. ત્યારે આ વ્રત ઉપવાસનું ઉત્તમ ફળ મળે એ માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
સંકલ્પ લો: સૌપ્રથમ તનમનની શુદ્ધિ સાથે શુભ મૂહુર્ત જોઇ નવરાત્રીમાં વ્રત રાખવાનો સંકલ્પ લો. જો આખો દિવસ તમે ઉપવાસ ન રાખી શકો તો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે પણ ઉપવાસ રાખીને માતાજીની પૂજા-અર્ચના કરી શકો છો.
જવારા વાવો: સંકલ્પ લીધા બાદ શુભ મૂહુર્તમાં ઘટસ્થાપન કરો એટલે કે ઘરમાં ગરબાની સ્થાપના કરો અને જવારા વાવો. વ્રત રાખનાારા ભક્તોએ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસીને દેવીની પૂજા કરવી જોઇએ.
લાલ આસન પાથરવું: માતાજીની પૂજા હંમેશા આસન ગ્રહણ કરીને કરવી તેમજ મુખ પૂર્વ તરફ રાખવું જોઇએ. ઉપયોગમાં લેવાનાર આસન લાલ રંગનું હોય તે ઉત્તમ છે. ક્યારેય જમીન પર બેસીને માતાજીની પૂજા ન કરવી જોઇએ.
કન્યાની પૂજા કરવી: નવરાત્રી પર વ્રતના છેલ્લા દિવસે કન્યાની પૂજા કરવી જોઇએ. 2થી 9 વર્ષની બાળકીઓની પૂજા કરવાથી અને તેમને જમાડવાથી પુણ્ય મળે છે.
વાળ-નખ ન કાપવા/બ્રહ્મચર્ય પાળવું: દેવી સાધનાના આ 9 દિવસો દરમિયાન વાળ અને નખ કાપવા ન જોઇએ. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઇએ તેમજ ક્ષમતા પ્રમાણે દાનધર્મ કરવા જોઇએ. તમામ સાથે સારો વ્યવહાર રાખવો જોઇએ તેમજ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.