તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી
₹ ૫,૪૦૦ કરોડના ‘યશોભૂમિ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
યશોભૂમિનું ઉદ્ઘાટન: નવી દિલ્હીમાં રવિવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન ઍન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના ઉદ્ઘાટન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમન, પિયુષ ગોયલ અને નારાયણ રાણે સાથે. (પીટીઆઈ)
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને આગામી તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલસામાન અને ચીજવસ્તુઓ ખરીદવા માટે રવિવારે પોતાના જન્મદિને અનુરોધ કર્યો હતો અને લાખો કારીગરો, કસબીઓ, કલાકારોના લાભાર્થે રૂપિયા ૧૩,૦૦૦ કરોડની ‘વિશ્ર્વકર્મા યોજના’નો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે નવી દિલ્હીના દ્વારકાના ‘યશોભૂમિ’ ખાતે ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્ધવેન્શન ઍન્ડ એક્સ્પૉ. સેન્ટર’ના રૂપિયા ૫,૪૦૦ કરોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે હું આ ‘યશોભૂમિ’ દેશના દરેક શ્રમિક, દરેક ‘વિશ્ર્વકર્મા’ને સમર્પિત કરું છું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે હાલમાં દેશની કેન્દ્ર સરકાર સમાજના દરેક વર્ગને ગૌરવ અપાવતી યોજના હાથ ધરી રહી છે.
મોદીએ ‘વિશ્ર્વકર્મા’ યોજના હેઠળ જે ૧૮ પરંપરાગત કારીગરો, કસબીઓ અને કલાકારોને આવરી લેવાયા છે, તેઓના વ્યવસાયને લગતી જાણકારી આપતી ઇ-બુકલેટનું વિમોચન કર્યું હતું.
‘વિશ્ર્વકર્મા’ યોજનાનો હેતુ પરંપરાગત કલાકારો, કસબીઓ અને કારીગરોની સેવા અને તેઓના ઉત્પાદનોની ગુણવત્તા સુધારવાનો છે. આ યોજના હેઠળ કારીગરોને ધંધાના વિકાસાર્થે પ્રથમ તબક્કામાં જામીનગીરી વિનાની રૂપિયા એક લાખની જે લોન અપાશે તેને ૧૮ મહિનામાં પાછી ચૂકવવાની રહેશે, જ્યારે બીજા તબક્કામાંના રૂપિયા બે લાખના કરજને ૩૦ મહિનામાં પાછું ભરવાનું રહેશે.
લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ માટેનું મંત્રાલય આવા કારીગરોની લોનનું વ્યાજ આઠ ટકા દરે ચૂકવશે, પરંતુ લાભાર્થીએ પાંચ ટકાનો વ્યાજદર જ આપવો પડશે.
‘મિટિંગ્સ, ઇન્સેટિવ્સ, કૉન્ફરન્સ અને ઍક્ઝિબિશન’ માટેનું વિશ્ર્વનું સૌથી મોટું કેન્દ્ર હવે અહીંની ‘યશોભૂમિ’ ખાતે રહેશે, જે ૮.૯ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે અને તેમાં બાંધકામ ૧.૮ લાખ ચોરસ મીટરથી વધુનું હશે.
વડા પ્રધાને ‘યશોભૂમિ’ ખાતે હાજર લોકોને સરકારની ‘વિશ્ર્વકર્મા યોજના’ની માહિતી આપી હતી અને કસબીઓ તેમ જ કારીગરોને જીએસટીમાં નોંધાયેલી દુકાનો ખાતેથી જ ભારતમાં બનેલી સાધનસામગ્રી ખરીદવા અનુરોધ કર્યો હતો.
તેમણે ‘વૉકલ ફૉર લૉકલ’ને લગતા સરકારના દૃષ્ટિકોણ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે હું લોકોને ગણેશચતુર્થી, દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક નિર્મિત ચીજો જ ખરીદવા હાકલ કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પર્યટન ક્ષેત્રે રૂપિયા પચીસ લાખ કરોડના વિકાસની વિપુલ તક રહેલી છે. ‘યશોભૂમિ’માં વિવિધ પ્રદર્શનના આયોજનથી લાખો કારીગરો, કસબીઓ અને કલાકારોને રોજગારી મળશે.
‘યશોભૂમિ’ને દિલ્હી ઍરપૉર્ટ મેટ્રો એક્સ્પ્રેસ લાઇનની સાથે પણ જોડવામાં આવી છે અને તેના માટે નવું મેટ્રો સ્ટેશન શરૂ કરાશે.
વિશ્ર્વકર્મા યોજનામાં સુથાર, હોડી બનાવનારા, લુહાર, હથોડી અને સંબંધિત સાધનો બનાવનારા, તાળાં બનાવનાર (પંચાલ), મૂર્તિ બનાવનારાઓ, પથ્થર તોડવાનું કામ કરનારા, પરંપરાગત રમકડાં બનાવનારા, વાળંદ, હાર બનાવનારા, દરજી, માછીમારીની જાળી બનાવનારા, કડિયા, મોચી, ટોપલી, ઝાડું જેવી વસ્તુઓ બનાવનારા વગેરે નાના કારીગરો અને કસબીઓને આવરી લેવાશે. (એજન્સી)