ભારત-કેનેડા તણાવને કારણે રૂ. 70,000 કરોડનો વેપાર દાવ પર!
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે બધુ બરાબર નથી. બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ દિવસે દિવસે વેગ પકડી રહ્યો છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ શરૂ થયેલો વિવાદ અટકતો દેખાતો નથી. આ વિવાદથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે અને 70,000 કરોડ રૂપિયાનો વેપારને ફટકો પડી શકે છે.
આ પણ વાંચો : ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ
હા, તમે સાચુ જ વાંચ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે મોટો વેપાર છે અને તણાવ વધવાને કારણે બંને દેશોના વેપાર પર પણ તેની અસર થવાની શક્યતાઓ છે. ચાલો જાણીએ કે બંને દેશો વચ્ચે કેટલો વેપાર થાય છે?
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી તણાવની અત્યાર સુધી બંને દેશો વચ્ચેના માલસામાનના દ્વિપક્ષીય વેપાર પર કોઈ અસર થઈ નથી. જો કે, એમ કહેવું ખોટું નહીં હોય કે જેમજેમ આ વિવાદ આગળ વધશે તેમ બંને દેશોએ બગડતી આર્થિક સ્થિતિને સાવધાનીથી સંભાળવી પડશે. કારણ કે બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ સતત વધી રહી છે. ભારત અને કેનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2022-23માં 8.3 બિલિયન ડોલર હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને 8.4 બિલિયન ડોલર (લગભગ રૂ. 70,611 કરોડ) થયો હતો.
હાલમાં તો બંને દેશો વચ્ચેના તણાવની કારોબાર પર કોઈ દેખીતી અસર દેખાતી નથી. કેનેડાથી ભારતની આયાત વધીને 4.6 બિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે નિકાસમાં થોડો ઘટાડો થયો છે અને તે 3.8 બિલિયન ડૉલર રહ્યો છે. આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે બંને દેશો વચ્ચેના તણાવની હાલમાં બિઝનેસ પર બહુ અસર થઈ નથી. જો કે, આગામી દિવસોમાં જો તણાવ વધુ વધશે તો ધંધા-રોજગારને પણ અસર થઈ શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કેનેડિયન પેન્શન ફંડે ભારતમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને લગભગ 600 કેનેડિયન કંપનીઓ ભારતમાં તેમનો બિઝનેસ કરી રહી છે.
એક અહેવાલ મુજબ, 2013 થી 2023 સુધીમાં, ભારતમાં કેનેડિયન પેન્શન ફંડ્સ દ્વારા કરવામાં આવેલ મોટાભાગનું રોકાણ રિયલ એસ્ટેટ (3.8 બિલિયન કેનેડિયન ડોલરથી વધુ), નાણાકીય સેવાઓ (3 બિલિયનથી વધુ કેનેડિયન ડોલર) અને ઔદ્યોગિક પરિવહન (લગભગ 2.6 બિલિયન કેનેડિયન ડોલર) ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ મોટું રોકાણ કરવામાં આવ્યું છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા ગત વર્ષે જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર, કેનેડામાં 30થી વધુ ભારતીય કંપનીઓની હાજરી છે અને જો આપણે દેશમાં તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણની વાત કરીએ તો તે 40,446 કરોડ રૂપિયા છે. આ કંપનીઓ દ્વારા 17 હજારથી વધુ લોકોને રોજગારી મળી છે.
આ પણ વાંચો : પીએમ મોદી સામે કરગર્યા જસ્ટિન ટ્રુડો: કહ્યું કેનેડાના નાગરિકોની સુરક્ષાની ચિંતા
હવે આપણે બંને દેશો વચ્ચેની આયાત અને નિકાસની વાત કરીએ તો ભારતમાંથી જેમ્સ, જ્વેલરી અને કિંમતી રત્નો, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, રેડીમેડ ગારમેન્ટ્સ, મિકેનિકલ એપ્લાયન્સિસ, ઓર્ગેનિક કેમિકલ્સ, લાઇટ એન્જિનિયરિંગ ગુડ્સ, આયર્ન અને સ્ટીલની નિકાસ કરવામાં આવે છે. ભારત કેનેડા પાસેથી કાગળ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, તાંબુ, ખનીજ અને ઔદ્યોગિક કેમિકલ્સ આયાત કરે છે.