રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદની સીટ પરથી મળી આવ્યા નોટોના બંડલ
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર અત્યાર સુધી અનેકવાર હંગામાને ભેટ ચઢી ચૂક્યું છે. એવામાં ગઇ કાલે કૉંગ્રેસી સાંસદ અભિષેક મનુ સંઘવીની સીટ નીચે નોટોના બંડલ મળી આવ્યા હતા. રાજ્ય સભાના અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમની આવી જાહેરાત બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે બીજી તરફ બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેને ગૃહની ગરિમા માટે ગંભીર મામલો ગણાવ્યો હતો.
શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી હતી કે, ‘ગઈકાલે (ગુરુવારે) 5 ડિસેમ્બર, 2024ના રોજ ગૃહ સ્થગિત થયા પછી સુરક્ષા કર્મચારીઓ નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક સીટ નીચેથી નોટોના બંડલ મળી આવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ આ અંગે માહિતી આપી છે અને તપાસ ચાલી રહી છે. હાલમાં આ સીટ તેલંગાણાના કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે પણ થઈ રહી છે.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે જેવી નોટો મળવાની વાત કરી તો વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કોઈ સભ્યનું નામ ન લેવું જોઈએ. અધ્યક્ષે કહ્યું હતું કે ગૃહની અંદર દરરોજ નિયમોનું ઉલ્લંઘન થાય છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. અમને આશા છે કે તપાસમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કોંગ્રેસના સાંસદો દ્વારા કરવામાં આવેલા હંગામા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષી સાંસદોનું વર્તન સારું નથી.
Also Read – દલિત પિતાના બાળકોની આનામતનો કેસ આ કારણે ગયો સુપ્રીમ કોર્ટમાં: જાણો કોર્ટનો મહત્વનો ચુકાદો
અમે આશા રાખીએ છીએ કે તમે નિષ્પક્ષ તપાસ કરશો.
હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ સફાઈ આપી છે. સિંઘવીએ કહ્યું, ‘મેં આવું પહેલીવાર સાંભળ્યું છે! હું જ્યારે પણ રાજ્યસભામાં જાઉં છું ત્યારે મારી સાથે 500 રૂપિયાની નોટ લઈ જઉં છું. હું ગઈકાલે 12.57 વાગ્યે ગૃહની અંદર પહોંચ્યો અને 1 વાગ્યે ગૃહનું કામકાજ શરૂ થયું. હું સાંસદ અયોધ્યા રામી રેડ્ડી સાથે બપોરે 1.30 વાગ્યા સુધી કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી નીકળી ગયો હતો!’
હવે આ મુદ્દે તપાસમાં શું બહાર આવે છે એ જોવું રહ્યું.