
ભોપાળઃ મધ્ય પ્રદેશમાં વિધાન સભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે. અહીં 230 વિધાનસભા બેઠકોએક તબક્કામાં જ પૂરા રાજ્યમાં મતદાન પાર પાડવામાં આવ્યું હતું. હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. આવખતે મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને ભાજપ-કૉંગ્રેસ બંનેની ઉંઘ ઉડાડી મૂકી છે. રાજ્યમાં 71 ટકાથી વધુ મતદાન થયું છે. અહીંના ચૂંટણીના આંકડા જોઇએ તો 2003થી 2018 સુધીમાં રાજ્યમાં માત્ર એક જ વાર સત્તા પરિવર્તન થયું છે. જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે રાજ્યમાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. અનેક વિધાનસભા બેઠકો પર ત્રિકોણીય જંગ છે. બંને પક્ષોએ જીતનો દાવો કર્યો છે પરંતુ બળવાખોરો અને અન્ય પક્ષોના ઉમેદવારોને કારણે બંને પક્ષને હારનો ભય લાગી રહ્યો છે.
આપણે 2018ની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો એ સમયે મધ્યપ્રદેશમાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું.
2018ની વિધાનસભા ચૂંટણીમાં 75.2 ટકા મતદાન થયું હતું. જે બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન થયું હતું. જો કે કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નહોતી. કોંગ્રેસને સૌથી વધુ 114 અને ભાજપને 109 સીટો મળી હતી. અને જો વોટ શેરની વાત કરીએ તો 2018માં ભાજપને કોંગ્રેસ કરતા વધુ વોટ મળ્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 230 વિધાનસભા બેઠકો પર 70.8 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે 165 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને માત્ર 57 બેઠકો મળી હતી. મધ્ય પ્રદેશમાં 2008ની વિધાનસભા ચૂંટણીમાં 69 ટકા મતદાન થયું હતું. 70 ટકાથી ઓછું મતદાન થયા બાદ પણ ભાજપે પોતાની સરકાર જાળવી રાખી હતી. ભાજપે 143 અને કોંગ્રેસે 71 બેઠકો જીતી હતી.
મધ્યપ્રદેશમાં 2003ની ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવતી હતી. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયા બાદ રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. 2003માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી. ભાજપે ઉમા ભારતીના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. 2003માં રાજ્યમાં 67 ટકા મતદાન થયું હતું. ત્યારે ભાજપે 173 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને માત્ર 38 બેઠકો મળી હતી.
મધ્યપ્રદેશની છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ તો માત્ર 2018માં જ 75 ટકાથી વધુ મતદાન થયું હતું. 2018માં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી, પરંતુ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની હતી. વિશ્લેષકોનું છે કે 75 ટકાથી વધુ મતદાન રાજ્યમાં પરિવર્તન સૂચવે છે.