સુરતમાં બિલ્ડર ગ્રૂપ પર દરોડા | મુંબઈ સમાચાર

સુરતમાં બિલ્ડર ગ્રૂપ પર દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ડાયમંડ નગરી સુરત ફરી એકવાર આવકવેરા વિભાગની નજરે ચડ્યું છે. શુક્રવારે શહેરના એક મોટા ગજાના બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગે સપાટો બોલાવીને સર્ચની કામગીરી શરૂ કરતાં વેપારી અને બિલ્ડર લોબીમાં ગભરાટ ફેલાયો હતો.

સુરતમાં મોટા ગજાના બિલ્ડર ગ્રૂપના સંજય સુરાના ગ્રૂપમાં દરોડાની કાર્યવાહી શરૂ થઇ હતી. જમીનના ધંધા સાથે જોડાયેલા ગ્રૂપમાં કાર્યવાહી થતા અન્ય બિલ્ડર ગ્રૂપમાં ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં ચાર ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીથી બિલ્ડર જૂથમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત ઇન્કમટેક્ષ ડીડીઆઇ વિંગ દ્વારા શુક્રવારે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમાં શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રૂપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરાના ગ્રૂપ ઉપરાંત રીંગરોડના યાર્ન મર્ચન્ટ તેમ જ હાલમાં જનીનના ધંધા સાથે જોડાયેલા ગ્રૂપમાં પણ વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં છે. કુલ ચાર જેટલા ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસ અને ઘર સમાવિષ્ટ છે ત્યાં કામગીરી હાથ ધરાઈ રહી છે. ઘણાં લાંબા સમયના અંતરાલ બાદ ઇન્કમટેક્ષ વિભાગે કાર્યવાહી કરતા શહેરના અન્ય બિલ્ડર અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે. બજાર ખુલતાં જ શહેરના વેપારી તેમજ બિલ્ડર આલમમાં દરોડાની કાર્યવાહી ચર્ચાના સ્થાને છે. દિવાળી બાદ સફાળા જાગેલા ઇન્કમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા છે.

સંબંધિત લેખો

Back to top button