ન જાણ્યું જાનકીનાથે…આંગણામાં સૂતેલા બાળક પર ઘરની જ ભેંસએ…
મહોબાઃ કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે અને માણસ આમાં કંઈ જ કરી શક્તો નથી. આવી જ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. અહીં છ મહિનાના માસૂમ બાળકનું જે રીતે મોત થયુ છે તે જાણી ઈશ્વરની ઈચ્છા આગળ માણસ કેલો વામણો પુરવાર થાય છે તે સમજાય જાય છે.
મહોબા જિલ્લાના કોતવાલી કુલપહારના સતારી ગામમાં રહેતા એક પરિવાર પર ભાગ્ય કોપાયમાન થયું ને તેમના છ મહિનાના માસૂમ પુત્રનું મોત થયું. જોકે મોત જેટલું દુઃખદ છે તેનું કારણ એટલું જ અચરજ પમાડે તેવું છે. અહીંનો યાદવ પરિવાર પશુપાલનનું કામ કરે છે અને ઘર બહાર આંગણામાં જ તેઓ ભેંસો બાંધે છે.
આ આંગણામાં કામ કરતી વખતે બાળકની માતા નીકિતાએ રડતા બાળકને ભેંસો પાસે બનાલા શેડમાં બાળકને હિંચકા પર સૂવડાવ્યું હતું અને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. દરમિયાન એક ભેંસ અહીં બાળક પર પોદરો કરી ગઈ હશે અને પરિવારને તરત આની જાણ થઈ નહીં. બાળકના મોઢા પર પોદરો કર્યો હોવાથી તેનો શ્વાસ રૂંધાયો હતો અને તે બેભાન થઈ ગયો હતો.
પરિવારને જ્યારે ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયો અને હૉસ્પિટલ દોડ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળનું નાક, મોઢું અને લગભગ અડધું શરીર છાણથી ડંકાઈ ગયું હતું આથી ગૂંગળામણથી મોત થયાનું પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે.
બાળકના કાકા વીરેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર બાળકો અવારનવાર ભેંસો રાખીએ છીએ ત્યાં રમતા હોય છે. આવું ક્યારેય બન્યું નથી. આ બનાવથી પરિવારજનો સ્વાભાવિક રીતે શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે બાળકના મૃત્યુ અંગે પોલીસ હજુ તપાસ હાથ ધરી રહી છે.